આજકાલ મોટાભાગના લોકો એવું માને છે કે માત્ર સફેદ ખાંડ ખાવાથી જ ડાયાબિટીસ થઈ જાય છે. આ જ ડરના કારણે ઘણા લોકોએ ચા, મીઠાઈ અને અન્ય ગળી ચીજવસ્તુઓથી અંતર જાળવવાનું શરૂ કરી દીધું છે. પરંતુ મેડિકલ રિસર્ચ અનુસાર આનો જવાબ એટલો સીધો નથી. માત્ર ખાંડ ખાવાથી સીધી ડાયાબિટીસ થતી નથી, પરંતુ લાંબા સમય સુધી વધુ પડતી મીઠાશનું સેવન કરવાથી આ ગંભીર બીમારીનું જોખમ ચોક્કસપણે વધી જાય છે. કોઈપણ વ્યક્તિને માત્ર સફેદ ખાંડ ખાવાથી જ ડાયાબિટીસ થઈ જાય તેવું નથી.
યાબિટીસ ત્યારે થાય છે જ્યારે શરીર બ્લડ શુગરને યોગ્ય રીતે નિયંત્રિત કરી શકતું નથી. આના પાછળ અનેક કારણો જવાબદાર હોય છે, જેમ કે વધુ પડતું વજન, શારીરિક શ્રમનો અભાવ, અસંતુલિત આહાર અને વારસાગત (પરિવારમાં ઇતિહાસ હોવો) કારણો. તેથી માત્ર ખાંડને જ ડાયાબિટીસ માટે જવાબદાર ગણવી યોગ્ય નથી.
જો કોઈ વ્યક્તિ રોજ ખૂબ જ વધુ પડતી મીઠી ચીજોનું સેવન કરે, તો શરીરમાં જરૂરિયાત કરતાં વધુ કેલરી જમા થાય છે. લાંબા સમય સુધી આ સ્થિતિ રહેવાથી વજન વધવા લાગે છે. વધુ વજન અથવા સ્થૂળતા ટાઇપ-૨ ડાયાબિટીસનું જોખમ અનેકગણું વધારી દે છે. એટલે કે ખાંડની અસર માત્ર બ્લડ શુગર વધારવા પૂરતી સીમિત નથી, પરંતુ તે આખી ડાયેટ અને વજનને અસંતુલિત કરે છે. કોલ્ડ ડ્રિંક્સ, પેકેજ્ડ જ્યુસ, એનર્જી ડ્રિંક્સ અને અન્ય શુગર યુક્ત પેણાંઓમાં પ્રચંડ માત્રામાં ખાંડ હોય છે. આ પીણાં પીવાથી શરીરને ખૂબ જ ઓછા સમયમાં મોટી માત્રામાં શુગર મળી જાય છે. ઘણીવાર લોકો પાણીની જેમ આવા ડ્રિંક્સ પી જાય છે અને તેમને ખ્યાલ પણ નથી હોતો કે તેઓ કેટલી વધારાની ખાંડ શરીરમાં નાખી રહ્યા છે. રિસર્ચમાં પણ શુગર યુક્ત ડ્રિંક્સ અને ટાઇપ-૨ ડાયાબિટીસ વચ્ચે સીધો સંબંધ હોવાનું સાબિત થયું છે.
-
ડાયેટમાં ખાંડ ઘટાડવાથી શું ફાયદો થાય?
આહારમાં વધારાની ખાંડ ઘટાડવાથી શરીરને મળતી વધારાની કેલરી ઓછી થાય છે. વજનને નિયંત્રણમાં રાખવામાં મોટી મદદ મળે છે. ખાંડ ઘટાડવાનો અર્થ ફક્ત ચામાં શુગર ઓછી નાખવી એવો નથી, પરંતુ મીઠાઈ, ચોકલેટ, બિસ્કિટ, કેક અને પેક્ડ ડ્રિંક્સનું સેવન પણ ઘટાડવું પડે છે. સંતુલિત ઘરનું ખોરાક અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ (કસરત) સાથે રાખવાથી લાંબા ગાળે મોટો ફાયદો થાય છે.
-
શું ખાંડ સંપૂર્ણપણે છોડી દેવી જરૂરી છે?
દરેક વ્યક્તિ માટે ખાંડ કે ગળપણને સંપૂર્ણપણે બંધ કરવું જરૂરી નથી. સૌથી મહત્વની વાત એ છે કે, દૈનિક આહારમાં જરૂરિયાત કરતાં વધુ શુગર ન જાય તેનું ધ્યાન રાખવું. મીઠાઈ અને જન્ક ફૂડ્સ મર્યાદિત માત્રામાં લઈ શકાય છે. જો કે, જે લોકોને પહેલેથી જ ડાયાબિટીસ કે હાઈ બ્લડ શુગરની સમસ્યા છે, તેમણે પોતાના ડૉક્ટરની સલાહ મુજબ જ આહારનું પાલન કરવું જોઈએ.


