- સુરતમાં રખડતા કૂતરાનો આતંક વધતો જાય છે, છતાં મ્યુનિનું તંત્ર નિષ્ક્રિય,
- બપોરના ટાણે ઘર નજીક બાળકી રમી રહી હતી ત્યારે રખડતા કૂતરાએ હુમલો કર્યો,
- બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાઈ
સુરતઃ શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ દૂર થતો નથી, ડોગ બાઈટના રોજબરોજ બનાવો બની રહ્યા છે. છતાં મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર નિષ્ક્રિય છે. ત્રણ દિવસ પહેલા જ એક બાળક પર હુમલાનો બનાવ તાજો છે. ત્યાં ફરીવાર એક 4 વર્ષિય બાળકી પર રખડતા કૂતરાએ હુમલો કરતા બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. શહેરના વરીયાવી બજાર વિસ્તારમાં આવેલા ધાસ્તીપુરાના ગુલશન પાર્ક ખાતે ચાર વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે કૂતરાએ અચાનક હુમલો કર્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના વરીયાવી બજાર વિસ્તારમાં આવેલા ધાસ્તીપુરાના ગુલશન પાર્ક ખાતે બપોરના સમયે ચાર વર્ષની બાળકી તેના ઘરની નજીક અન્ય બાળકો સાથે રમી રહી હતી. દરમિયાન, અચાનક એક રખડતા કૂતરાએ બાળકી પર જીવલેણ હુમલો કર્યો હતો. કૂતરાએ બાળકીને બચકા ભરતા માથા, કાન, ગાલ અને આંખ સહિત શરીરના વિવિધ ભાગો પર ઈજાઓ થઈ છે. બાળકીની ચીસો સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ બાળકીને કૂતરાના પંજામાંથી છોડાવીને બચાવી હતી. આ હુમલામાં બાળકીને શરીર પર 10થી વધુ ગંભીર ઈજાના નિશાન થયા હતા. ગંભીર રીતે ઘવાયેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાંથી મળતી વિગત મુજબ, બાળકીની પ્રાથમિક સારવાર ઇમરજન્સી વિભાગમાં કરવામાં આવી હતી, ત્યારબાદ તેને વધુ સારવાર અને ઈજાઓના નિદાન માટે સર્જરી વિભાગમાં ખસેડવામાં આવી છે. બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેના પર શસ્ત્રક્રિયાની જરૂર પડી શકે છે.
પીડિત બાળકીનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશ (યુપી)નો છે અને હાલમાં સુરતના વરીયાવી બજાર ધાસ્તીપુરા ખાતેના ગુલશન પાર્કમાં રહે છે. બાળકીના પિતા શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં માતા-પિતા અને બાળકી સહિત અન્ય ત્રણ બહેનો છે. પિતાની મર્યાદિત આવક વચ્ચે બાળકી પર થયેલા આ જીવલેણ હુમલાથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

