વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માટે ખોટી દોડાદોડી ન કરતા, મોદી અને શાહ તમામને ઓળખે છેઃ પાટિલ
સુરતઃ શહેરમાં પ્રથમ વખત મળેલી પ્રદેશ ભાજપની બે દિવસીય કારોબારીમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત અપેક્ષિત 1000 જેટલા નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા છે. આ બેઠકમાં ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવવાનો છે. ત્યારે ભાજપે 150 બેઠકોનો ટાર્ગેટ નક્કી કર્યો છે. બીજીબાજુ આ વખતે ભાજપમાં ટિકિટ મંળવવાના દાવેદારોની સંખ્યા રેકર્ડબ્રેક સર્જશે તે પણ નક્કી છે, ત્યારે ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલે સંબોધનમાં એવી ટકોર કરી હતી કે, ટિકિટ મેળવવા માટે ખોટી દોડાદોડી ન કરતા કારણ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ તમામને ઓળખે છે. પક્ષમાં વધુને વધુ લોકોને જોડવા યાને પક્ષના સભ્ય બનાવવા પર ભાર મુકાવામાં આવ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાતમાં ભા
જપની સરકાર છે. ડબલ એન્જિનની સરકારને કારણે ગુજરાત ને ફાયદો વધુ થયો છે. તેમણે પેજ સમિતિ, વન ડે વન ડિસ્ટ્રીક્ટ, સદસ્યતા અભિયાન, સંગઠનાત્મક-સક્રિયતા, સહકાર ક્ષેત્રેમાં ઝળહળતી સફળતા, મોરચા દ્વારા કાર્યક્રમો, સુપોષણ અભિયાન અંગે માહિતી આપી હતી. આ સાથે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસની પણ માહિતી આપી હતી. પાટીલે ઉમેર્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીની મોટી પાંચ સભામાં લગભગ પંદર લાખ લોકો પી.એમ. સાથે કનેક્ટ થયા છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાત સદાય વિકાસના કાર્યોમાં અગ્રેસસર રહ્યું છે. ડબલ એન્જિનની સરકારને કારણે ગુજરાતને ફાયદો વધુ થયો છે. ખેડૂતો પાકના સારા ભાવ મળી રહ્યા છે. હિંદુ આસ્થાનું કેન્દ્ર પાવાગઢ મંદિર ઉપર પાંચસો વર્ષ પછી વડાપ્રધાન મોદી દ્વારા ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતુ.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપની પ્રદેશ કારોબારી હાલ પોતાની કાર્યપદ્ધતીના કારણે ચર્ચામાં આવી છે. કારોબારીમાં કુલ 1000 કરતા પણ વધારે હોદ્દેદારો હાજર રહ્યા હતા. પ્રદેશ કારોબારીનું ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. જો કે તેમાં રહેલી સગવડ કોઇ નાની મોટી કંપનીની AGM ને પણ ઝાંખી પાડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એસી હોલમાં હોદ્દેદારો માટે અલગથી ટેબલ રખાયા હતા. તમામ હોદ્દેદારોને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવી બારીકમાં બારીક જરૂરિયાતોને ધ્યાને રાખીને આનુષાંગીક તૈયારી કરવામાં આવી હતી. પ્રદેશ કારોબારીમાં 1000 જેટલા ટેબલ ગોઠવવામાં આવ્યા હતા. દરેક ટેબલ પર સુકામેવાના પેકેટ્સ મુકવામાં આવ્યા હતા. એક ટેબલથી 500 ગ્રામ જેટલું વિવિધ ડ્રાયફુટ મુકવામાં આવ્યું હતું. આ ઉપરાંત જ્યુસથી માંડીને સોડા સહિતની અનેક કોર્પોરેટ્સ કંપનીમાં હોય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ પ્રકારની વ્યવસ્થા ભાજપની કોઇ બેઠકમાં પણ પહેલીવાર કરવામાં આવી હતી. દરેક ટેબલ પર સોફ્ટ ડ્રિંક્સની અલગ અલગ ફ્લેવરથી ત્રણથી ચાર બોટલ પણ મુકવામાં આવી હતી.


