1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ફેક પોલીટિકલ પાર્ટીઓને ડોનેશન આપીને ટેક્સચોરી સામે ગુજરાતમાં 4000ને ITએ ફટકારી નોટિસ
ફેક પોલીટિકલ પાર્ટીઓને ડોનેશન આપીને ટેક્સચોરી સામે ગુજરાતમાં 4000ને ITએ ફટકારી નોટિસ

ફેક પોલીટિકલ પાર્ટીઓને ડોનેશન આપીને ટેક્સચોરી સામે ગુજરાતમાં 4000ને ITએ ફટકારી નોટિસ

0
Social Share

અમદાવાદઃ રાજકીય પક્ષોને અપાતા ડોનેશનને આવકવેરામાંથી કપાત મળતી હોવાથી અનેક ફેક રાજકીય પક્ષો કરદાતાઓ પાસેથી ફંડ મેળવીને અમુક ટકા કમિશન લઈને બાકીની રકમ બ્લેકમાં પરત કરતા હોય છે.  એટલે કે ચેકથી ડોનેશન લઈને 25થી 30 ટકા કમિશન કાપીને બાકીની રકમ રોકડથી પરત કરવામાં આવતી હોય છે. આમ ઇન્કમટેકસ ચોરીનો નવા કૌભાંડનો પર્દાફાશ થયો છે તેમાં રાજકીય પક્ષોને ડોનેશન આપ્યા બાદ 25થી 30 ટકાનું કમિશન ચૂકવીને બાકીના નાણા પરત લઇ લેવામાં આવતા હોવાની મોડસ ઓપરેન્ડીમાં ખુલાસો થયો છે. ગુજરાતમાં ઇન્કમટેકસે આવા 2000 કરોડના વ્યવહારો પકડીને 4000થી વધુ કરદાતાઓને નોટીસ ફટકારતા ખળભળાટ સર્જાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આવક વેરા વિભાગ દ્વારા રાજકીય પક્ષોને હિસાબી સરવૈયાઓની ચકાસણી કરી હતી અને ડોનેશન આપનારા લોકોના વ્યવહારો ચકાસવામાં આવ્યા હતા. માત્ર ડોનેશનનું કમિશન લેવાના ઇરાદે જ અમુક પક્ષો રજિસ્ટ્રેશન કરાવતા હોય છે. દાતાઓ પાસેથી ડોનેશન ઉઘરાવ્યા બાદ 10-20 ટકાનું અગાઉથી નકકી થયા મુજબનું કમિશન મેળવીને બાકીના નાણા પરત કરી દેવામાં આવે છે. અનેક પગારદાર કર્મચારીઓ પણ આ કૃત્ય સામેલ હોવાનું બહાર આવ્યું છે અને આ પ્રકારના કૌભાંડમાં સામેલ 4000થી વધુ કરદાતાઓ હવે મુસીબતમાં મુકાયાના નિર્દેશ મળ્યા છે.

આવક વેરા વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, ડોનેશન કાંડની બાતમીના આધારે નાના અને પ્રાદેશિક રાજકીય પક્ષો સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. 2020-21માં નાણાંકીય વર્ષના હિસાબોની તપાસ દરમિયાન 2000 કરોડના આવા વ્યવહારોનો પર્દાફાશ થયો છે જેમાં 30 કરોડની રોકડ જપ્ત પણ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થતા રીપોર્ટ કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડને મોકલી દેવામાં આવ્યો છે. રાજકીય પક્ષોની મોડસ ઓપરેન્ડી સાવ સરળ છે. કોઇ વેપારી પેઢીક કે વ્યકિતગત કરદાતા રાજકીય પક્ષને ડોનેશન પેટે ચેક આપે છે. રાજકીય પક્ષોને ડોનેશન કલમ-80 જીજીબી હેઠળ કરમુકત છે. એટલે દાતાને કરમુકિતનો લાભ મળે છે. તે કાપ્યા બાદ 25થી 30 ટકાનું કમિશન મેળવીને રાજકીય પક્ષ દ્વારા બાકીના નાણા રોડકમાં પરત આપી દેવામાં આવે છે. એક સિનીયર અધિકારીએ કહ્યું કે વખતોવખત આ પ્રકારના કારસ્તાનો ખુલ્લે જ છે અને દેશના વિવિધ રાજયોમાં આવા કૌભાંડ થયા જ છે.

કરદાતા નિષ્ણાંતોના કહેવા પ્રમાણે અનેક નાના રાજકીય પક્ષો આ પ્રકારના કેશબેક કૌભાંડ આચરવા જ રજીસ્ટ્રેશન કરાવતા જ હોય છે. ટેકસ ચોરી માટે ડોનેશન આપનારા કરદાતાઓ હવે મુસીબતમાં મુકાયા છે. ઘણા કિસ્સામાં તો પગારદાર કર્મચારીઓને પણ નોટીસો મળી છે. પગારનો મોટો હિસ્સો ડોનેશનમાં આપી દેતા હોવાનું શંકાસ્પદ તારણ ખુલ્યાને પગલે ઇન્કમ ટેકસે નોટીસો પાઠવી છે. 5 થી 30 ટકાનો ટેકસ બચાવવાના પ્રયાસમાં હવે તેઓએ મુળ ટેકસ ઉપરાંત વ્યાજ, સરચાર્જ અને પેનલ્ટી સહિત અંદાજિત 83.17 ટકા ટેકસ ચુકવવો પડે તેવી હાલત સર્જાવાની શકયતા છે.

સુત્રોએ ઉમેર્યું હતું કે, પ્રમાણે 5 થી 30 ટકા સુધીનો ટેકસ બચાવવા માટે કરદાતાઓએ રાજકીય પક્ષો સાથે સાઠગાંઠ કરીને ડોનેશનનું કારસ્તાન આચર્યુ હતું અને હવે ઇન્કમ ટેકસે તેનો પર્દાફાશ કર્યો છે. આ કારસ્તાનમાં સામેલ 4000થી વધુને નોટીસ ફટકારાઇ છે. ઇન્કમ ટેકસ વિભાગ હવે મુળ ટેકસ ઉપરાંત વ્યાજ, સરચાર્જ અને પેનલ્ટી ફટકારીને કુલ 83.17 ટકા ટેકસ વસુલે એવી શકયતા છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code