ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવા માટે પીવો ફુદીનાનું ખાસ સરબત, જાણો બનાવવાની સરળ રીત
ઉનાળાની કાળઝાળ ગરમીમાં બહારથી ઘરે આવ્યા પછી જો કંઈક ઠંડુ અને તાજગીભર્યું પીણું મળી જાય, તો આખા દિવસનો થાક ઉતરી જાય છે. આવા સમયે ફુદીનાનું શરબત એક ઉત્તમ વિકલ્પ છે. આ શરબત માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. તેને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે. ચાલો જાણીએ, ઉનાળામાં મહેમાનો અને પરિવાર માટે રિફ્રેશિંગ ફુદીના શરબત બનાવવાની સરળ રીત…
- સામગ્રી
તાજા ફુદીનાના પાન: 1 કપ
ખાંડ: સ્વાદ મુજબ (અથવા ગોળનો પાવડર)
લીંબુનો રસ: 2 ચમચી
ઠંડુ પાણી: 3થી 4 કપ
બરફના ટુકડા : જરૂર મુજબ
સંચળ (કાળું મીઠું): ચપટીભર (વધારાના સ્વાદ માટે)
- બનાવવાની રીત
સૌ પ્રથમ ફુદીનાના તાજા પાનને ડાળખીથી અલગ કરી લો. ત્યારબાદ તેને પાણીથી 2-3 વાર બરાબર ધોઈને સાફ કરી લો જેથી તેના પરની ધૂળ નીકળી જાય. હવે એક મિક્સર જારમાં સાફ કરેલા ફુદીનાના પાન અને સ્વાદ મુજબ ખાંડ ઉમેરો. તેમાં થોડું પાણી નાખીને તેને એકદમ ઝીણું (સ્મૂધ) પીસી લો. તૈયાર થયેલા આ મિશ્રણને એક મોટા વાસણમાં ગરણીની મદદથી ગાળી લો. ગાળી લીધા પછી તેમાં 3-4 કપ ઠંડુ પાણી ઉમેરો અને ચમચી વડે બરાબર મિક્સ કરી લો. હવે આ શરબતમાં લીંબુનો રસ અને ચપટી સંચળ ઉમેરો. લીંબુના કારણે ફુદીનાનો સ્વાદ વધુ નીખરી આવશે અને સંચળ પાચનમાં મદદરૂપ થશે. સર્વ કરવા માટે એક ગ્લાસમાં 2-3 બરફના ટુકડા નાખો. ત્યારબાદ તૈયાર કરેલું ફુદીનાનું શરબત રેડો. ઉપરથી ફુદીનાના એક-બે પાન મૂકીને ગાર્નિશ કરો.
ખાસ ટિપ્સઃ જો તમે વધુ હેલ્ધી ઓપ્શન ઈચ્છતા હોવ તો ખાંડની જગ્યાએ મધ અથવા ગોળનો ઉપયોગ કરી શકો છો. શરબતમાં થોડો શેકેલા જીરાનો પાવડર ઉમેરવાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે.


