ગાંધીનગર, 11 જુન, 2026 : Scooter driver dies in hit-and-run on kalol -Saij road રાજ્યમાં હાઈવે પર અકસ્માતોમાં હીટ એન્ડ રનના બનાવો વધતા જાય છે. ત્યારે ગાંધીનગરના કલોલ-સઇજ હાઇવે સર્વિસ રોડ વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. કલોલના પિરામિડ હોટલ સામે એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને એક્ટિવાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રોડ પર પટકાયેલા 21 વર્ષીય યુવાન પરથી અજાણ્યા વાહનનું ટાયર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. કલોલ તાલુકા પોલીસે ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, કલોલના ત્રિકમનગર, રતીશ સોસાયટીની સામે આવેલા સલાટ વાસ ખાતે રહેતા લાલજીભાઈ ગમનભાઈ સલાટ છૂટક મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 21 વર્ષીય અપરિણીત દીકરો જયેશ સલાટ કલોલથી સઇજ રોડ પર આવેલા જીઓ કંપનીના પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો. ગઈકાલે 10 જૂનના રોજ બપોરના આશરે 01:30 વાગ્યાની આસપાસ જયેશ પોતાના ઘરેથી નોકરી પર જવા નીકળ્યો હતો. નોકરી પર પહોંચ્યા બાદ તે પેટ્રોલ પંપ પર જ કામ કરતા અન્ય એક કર્મચારીનું એક્ટિવા લઈને હાઈવે પર ચા લેવા માટે બહાર નીકળ્યો હતો. ચા લઈને પરત ફરી રહેલા જયેશને પિરામિડ હોટેલ સામેના સર્વિસ રોડ એક અજાણ્યા વાહને તેના એક્ટિવાને અડફેટે લેતાં જયેશ હવામાં ઉછળીને રોડ પર પટકાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે જયેશ નીચે પડતાં જ તે વાહનનું વજનદાર ટાયર તેના શરીર અને માથાના ભાગેથી ફરી વળ્યું હતું. અકસ્માત સર્જીને આરોપી વાહનચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી ઝડપભેર ભાગી છૂટ્યો હતો. અકસ્માતનો જોરદાર અવાજ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.
આ અકસ્માત અંગે જાણ થતાં જ જયેશના પિતા લાલજીભાઈ સહિતના પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. આજુબાજુ તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે, ગંભીર રીતે ઘવાયેલા જયેશને હાઇવે ટોલટેક્સની ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક કલોલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

