Site icon Revoi.in

ગુજરાતના યુવાનોમાં વધતુ જતું ડ્રગ્સનું વ્યસન, 3 વર્ષમાં 16000 કરોડનું ડ્રગ્સ પકડાયુ

Social Share

અમદાવાદઃ ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સનું વ્યસન વધી રહ્યું છે. ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ પણ સતત એલર્ટ મોડ પર છે. ત્યારે વિતેલા ત્રણ વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠાથી ડ્રગ્સની જથ્થાબંધ હેરાફેરી ઉપર અંકુશ મેળવી શકાયો છે પણ છૂટક ડ્રગ્સ વેચનારાઓ ઉપર હજુ જોઈએ તેવો અંકુશ આવ્યો નથી. ત્રણ વર્ષમાં દેશનું સૌથી વધુ 16 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયું છે. તેમ છતા નશો વેચનારાં નાના પેડલર્સ માત્ર 2600 જ પકડી શકાયા છે. ત્યારે પોલીસ હવે સ્થાનિક ડ્રગ્સ સપ્લાયરો સામે વોચ રાખી રહી છે.

ગુજરાતમાં ડ્રગ્સની બદી વધી રહી છે. ત્યારે એનસીબી અને એ.ટી.એસ. દ્વારા પંજાબ અને વિદેશથી ડ્રગ્સની હેરાફેરી કરતી કાર્ટેલ તોડવામાં નોંધપાત્ર સફળતા મળી છે. જોકે  હવે, સ્થાનિક કક્ષાએ ડ્રગ્સ વેચાણનું દૂષણ રોકવા માટે અમદાવાદના પોલીસ સ્ટેશનોમાં એન્ટી ડ્રગ્સ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. યુવા ધનને ડ્રગ્સની ચૂંગાલમાંથી મુક્ત કરાવવાની દિશામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની આ જહેમત જટીલ કાયદાકીય પ્રક્રિયાના કારણે કેટલી સફળ રહેશે તે સૌથી મોટો સવાલ છે.

સૂત્રોના કહેવા મુજબ  વર્ષ 2021થી 2024 દરમિયાન ગુજરાતમાંથી 16,000  કરોડનું કુલ 87,607 કિલો ડ્રગ્સ પકડાયું છે. ગુજરાત સરકારે ડ્રગ્સની બાતમી આપનારાને રિવોર્ડ આપવાનો નિર્ણય જાહેર કર્યો. ત્યાર બાદ ડીજીપી કમિટીએ 2021થી 2024 દરમિયાન કુલ 737 વ્યક્તિઓને ડ્રગ્સ પકડાવવાની કામગીરી કરવા બદલ ઈનામો એનાયત કર્યા હતા. નોંધનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં દેશનું સૌથી વધુ 16,000 કરોડનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયું છે પણ ડ્રગ્સનું છૂટક વેચાણ કરનારાં 2600 પેડલર્સ જ પકડી શકાયાં છે. કમનસીબે ગુજરાતમાં ડ્રગ્સ એડિક્ટની સંખ્યા 20 લાખથી વધુ હોવાનુ કહેવાય છે. સરકાર અને સરકારી તંત્રના પ્રયાસો છતાં ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ અંકુશમાં હોવા છતાં નિરંકુશ હોવા જેવી સ્થિતિ સર્જાઈ છે.

કચ્છના ગાંધીધામ નજીક દરિયાકાંઠે બિનવારસી હાલતમાં મળેલાં 100 કિલો ડ્રગ્સ અંગે 11 મહિને વિધિવત પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અગાઉ પાંચ વર્ષ પહેલાં પશ્ચિમ દરિયાકાંઠા વિસ્તારમાંથી અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે. સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠા વિસ્તારમાં એટીએસ અને એનસીબીએ ઓપરેશનો કરીને અબજો રૂપિયાનું જથ્થાબંધ ડ્રગ્સ પકડી પાડ્યું હતું. 16000 કરોડથી વધુ ડ્રગ્સ પકડાયું તે માટે 737 લોકોને 5.13 કરોડ રૂપિયા જેટલી ઈનામની રકમ પણ આપવામાં આવી હતી.  પોલીસની છેલ્લાં પાંચ વર્ષની સતત જહેમત બાદ ગુજરાતની દરિયાઈ સરહદથી અબજો રૂપિયાની કિંમતના જથ્થાબંધ ડ્રગ્સની હેરાફેરી ઉપર તો ગુજરાત અન દેશની એજન્સીઓની સંયુક્ત કામગીરીથી અંકુશ મેળવી શકાયો છે.