સુરત, 7 જાન્યુઆરી 2026: Drug manufacturing factory busted in Surat શહેરના પુણા વિસ્તાર રેસિડન્ટ એરિયામાં ચાલતી MD ડ્રગ્સ બનાવવાની હાઈટેક ફેકટરી પકડાઈ છે. શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને એક મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એમડી ડ્રગ્સ બનાવતી ફેકટરીમાંથી 3 શખસોની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના પૂણાના રહેણાંક વિસ્તારમાં એક મકાનમાં ફેટકરી બનાવીને એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ફેકટરીની લેબમાં ત્રણ શિક્ષિત યુવાનો ભેગા મળીને કેમિકલ પ્રોસેસ દ્વારા ક્રિસ્ટલ બેઝ MD ડ્રગ્સ તૈયાર કરતા હતા. આ યુવાનો પોતે જ ડ્રગ્સ બનાવીને શહેરના વિવિધ વિસ્તારોમાં તેનું વેચાણ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે આખેઆખી એમડી ડ્રગ્સ બનાવતી લેબોરેટરી ઝડપી પાડી હતી. ડ્રગ્સ બનાવવા માટે વપરાતા વિવિધ કેમિકલ્સ, સાધનો, તૈયાર ડ્રગ્સનો જથ્થો અને અન્ય કાચા માલ સહિત લેબ ચલાવતા ત્રણ યુવાનોની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. યુવાનો ઓનલાઈન માધ્યમો અથવા અન્ય સ્ત્રોતો દ્વારા ડ્રગ્સ બનાવવાની રીત શીખ્યા હોવાની શંકા છે. તેઓ ક્રિસ્ટલ ફોર્મમાં ડ્રગ્સ બનાવીને યુવાધનને બરબાદ કરવાનું મોટું નેટવર્ક ચલાવી રહ્યા હતા.
SOG પોલીસે લેબમાંથી તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની પણ મદદ લેવામાં આવી રહી છે. આ ડ્રગ્સ બનાવવા માટેના કેમિકલ્સ ક્યાંથી લાવવામાં આવતા હતા અને અત્યાર સુધીમાં કેટલા લોકોને આ ઝેર વેચવામાં આવ્યું છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

