Site icon Revoi.in

વડોદરામાં રાત્રે નશો કરેલી હાલતમાં કારચાલકે 8 લોકોને અડફેટે લીધા, મહિલાનું મોત

Social Share

વડોદરાઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. નબીરાઓ નશો કરલી હાલતમાં નિર્દોષનો ભોગ લઈ રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો.  શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ગઈકાલે(12 માર્ચ, 2025) રાત્રે નશામાં ચૂર કાર ચાલકે 8 લોકોને અડફેટે લઈને ફુટબોલની જેમ ફંગોળ્યા હતા. આ બનાવમાં ઘટના સ્થળે જ હેમાલી પટેલ નામની મહિલાનું મોત થયું હતું. જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાને પગલે પોલીસ આરોપી કાર ચાલક રક્ષિત ચોરસિયા અને તેની બાજુમાં બેઠેલા યુવક(પ્રાંશુ)ની ધરપકડ કરી કરી છે. આ બન્ને યુવકે ડ્રગ્સ લીધું હોવાનો પણ ખુલાસો થયો છે.

આ બનાવની વિગતો એવી હતી કે, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ નજીક મિત્ર સાથે કારમાં જતા નબીરાએ પૂરપાટ ગતિએ અન્ય વાહનો પર જતા લોકોને ફંગોળી નાખ્યા હતા. જેમાં હેમાલી પટેલ નામના મહિલાનું  ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.  અકસ્માત સર્જનારો કાર ચાલકને પોલીસે દબોચી લીધો હતો. આ કેસમાં કાર ચાલક અને તેની સાથે રહેલા યુવકનો પોલીસે તત્કાલિક અસરથી રેપિડ ટેસ્ટ કર્યો હતો. જેમાં કાર ચાલક રક્ષિત ચોરસિયા અને પ્રાંશું ચૌહાણે ડ્રગ્સનો નશો કર્યો હોવાનું બહાર આવ્યું છે. હવે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત કરનાર બે શખ્સોએ રાત્રે અકસ્માત પહેલા હોળીના દિવસે મોજ કરવા ડ્રગ્સ લીધો હોવાનું રેપિડ ટેસ્ટમાં બહાર આવ્યું છે.  મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યો છે તેનો રિપોર્ટ પણ જલદી મેળવવામાં આવશે. મૃતક હેમાલીબેન ધૂળેટી માટે ખરીદી કરવા નીકળ્યા હતા. તેમના સિવાય જૈની, નિશાબેન અને એક અજાણી બાળકી તથા 40 વર્ષીય વ્યક્તિ પણ અકસ્માતનો ભોગ બની હતી. જેમની હાલત ગંભીર હોવાથી તે સારવાર હેઠળ છે.

 

Exit mobile version