Site icon Revoi.in

અમદાવાદના શીલજ રોડ પર નશામાં ધૂત કારચાલકે 9 વાહનોને અડફેટે લીધા

Social Share

અમદાવાદ,19 જાન્યુઆરી 2026: શહેરમાં રાતના સમયે નશો કરેલી હાલતમાં વાહનો પૂરઝડપે ચલાવીને અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શીલજ રોડ પર બન્યો છે. શહેરના શીલજ-રાંચરડા રોડ પર ગત મોડી રાત્રે નશામાં ધૂત એક કારચાલકે પૂરઝડપે એક બાદ એક 9 વાહનોને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. કારચાલક નિતિન શાહે દારૂના નશામાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિતના વાહનોને જોરદાર ટક્કર મારી હતી, જેમાં વાહનોનો કચરણઘાણ વળી ગયો હતો. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત બાદ રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ કારચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો, જેના આધારે M-ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે,  અમદાવાદના શીલજ-રાંચરડા રોડ પર રાત્રે દારૂના નશામાં નિતિન શાહ નામના કારચાલકે નિયંત્રણ ગુમાવતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિત 9 વાહનને ટક્કર મારી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ અનેક વાહનોને ભારે નુકસાન થયું હતું.  અકસ્માત સર્જીને કારચાલક બહાર આવ્યો ત્યારે તેને સીધા ઉભા રહેવાના પણ હોંશ ન હતા. તે વારંવાર નીચે બેસી જતો હતો અને લથડિયા ખાતો હતો. આ બનાવનો સોશિયલ મીડિયામાં વિડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. જે આધારે અંદાજ લગાવી શકાય છે કે, કારચાલક કેટલા દારૂના નશામાં હતો. આ બનાવ બાદ હાજર લોકોએ કારચાલકને પકડીને પોલીસને ફોન કર્યો હતો. જે બાદ પોલીસ આવીને લોકોના ટોળાં વચ્ચેથી કારચાલકને લઈ ગઈ હતી. M-ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલકની અટકાયત કરી મેડિકલ તપાસ હાથ ધરી હતી.

Exit mobile version