અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2026: શહેરના વટવા વિસ્તારમાં જોગણી માતાના મંદિર નજીક નશામાં ધૂત પૂર ઝડપે આવેલા કારચાલકે ગાયને અડફેટે લીધા બાદ કારે સ્કોર્પિયોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. આ અકસ્માતને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. લોકોએ કારચાલક યુવકને પકડી પાડ્યો હતો. કારની તપાસ કરતા સીટ પરથી ખાલી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને કારચાલક રાહુલસિંહની અટકાયત કરી છે.
આ બનાવની વિગત એવી છે કે, આજે સવારે શહેરના વટવા વિસ્તારમાં નારોલનો રહેવાસી રાહુલસિંહ જાડેજા કાર લઈને પૂરઝડપે જઈ રહ્યો હતો. આ સમયે વટવા જોગણી માતાના મંદિર પાસેના ઠાકોર વાસની બહાર રાહુલસિંહ જાડેજાએ રસ્તામાં ઉભેલી ગાયની સાથે કાર અથડાવી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે, ગાયનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ ઉપરાંત રાહુલસિંહે બાજુમાં પડેલી સ્કોર્પિયો કારને પણ ટક્કર મારી હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોએ રાહુલસિંહ જાડેજાને બહાર કાઢીને પોલીસે જાણ કરી હતી. અકસ્માત કરનાર i-10 કારમાંથી દારૂની ખાલી બોટલ મળી આવી હતી. રાહુલસિંહ જાડેજા પણ નશાની હાલતમાં લથડિયા ખાતો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને રાહુલસિંહની અટકાયત કરી છે. હવે આરોપી રાહુલસિંહનું મેડિકલ ટેસ્ટ કર્યા બાદ ધરપકડ કરવામાં આવશે.

