Site icon Revoi.in

ગાંધીનગરમાં ટાટા સફારીના ચાલકે દારૂના નશામાં રાહદારીઓ, વાહનોને અડફેટે લીધા, 3નાં મોત

Social Share

ગાંધીનગરઃ શહેરના રાંદેસણ વિસ્તારમાં ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર આજે સવારે ટાટા સફારી કારએ પૂરફાટ ઝડપે રાહદારી અને વાહનચાલકોને અડફેટે લેતા આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 3 લોકાનાં મોત નીપજ્યાં હતા. જ્યારે 5 લોકો ગંભીરરીતે ઘવાયા હતા. આ બનાવ બાદ ટાટા સફારીનો ચાલક નાસવા જતા લોકોએ પકડીને મેથીપાક આપીને પોલીસને હવાલે કર્યો હતો.  ટાટા સફારી કારના ચાલકનું નામ હિતેશ વિનુભાઈ પટેલે હોવાનું અને દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં ભાઇજીપુરાથી સિટીપ્લસવાળા સર્વિસ રોડ પર અકસ્માત સર્જાયો હતો. નશાની હાલતમાં ટાટા સફારી કારના બેદરકાર ચાલકે રાહદારી અને વાહનચાલકોને અડફેટે લેતાં આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 3ના મોત નીપજ્યાં હતા, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. જીજે 18 ઈઈ 7887 નંબરની ટાટા સફારી કારના ચાલકે ફુલસ્પીડમાં કાર હંકારતાં રસ્તા પર ચાલતા લોકો અને વાહનચાલકોને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 3 લોકોનાં મોત થયાં છે. આ ગોઝારો અકસ્માત કરનારો કાર ચાલક હિતેશ પટેલ ભાગવા જતા લોકોએ ઝડપી પાડીને મેથીપાક ચખાડ્યો હતો. જે બાદ પોલીસે હિતેશ પટેલની અટકાયત પણ કરી લીધી છે. હાલ આ આરોપી નશામાં છે કે નહીં તે અંગેની મેડિકલ તપાસ પણ થઈ રહી છે. આ અકસ્માત સમયના કેટલાક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. જે જોઈને કાળજું કંપાવી નાંખે તેવા છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ હિતેશ પટેલ ગાંધીનગરના પોર ગામનો રહેવાસી છે. જે સવારથી જ નશાની હાલતમાં ગાડી લઇને નીકળ્યો હતો. સર્વિસ રોડ ઉપર એકસોથી વધુની સ્પીડથી કાર હંકારી ત્રણથી ચાર અકસ્માતની હારમાળા સર્જી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને સ્થાનિકોનાં નિવેદનોના આધારે અકસ્માતની તપાસ હાથ ધરી છે. ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને રોષ ફેલાવ્યો છે. લોકો વાહનચાલકોને વધુ જવાબદાર બનવાની અપીલ કરી રહ્યા છે અને બેદરકારીભર્યા ડ્રાઈવિંગ સામે કડક પગલાં લેવા માટે માગ કરી રહ્યા છે.