Site icon Revoi.in

ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમના 9 દરવાજા 4 ફુટ ખોલાયા

Social Share

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદનું જોર ઘટ્યુ છે. જો કે હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન તાપી નદી પરના  ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદને પગલે અવિરત 82 હજાર ક્યુસેક જેટલું પાણી ડેમમાં ઠલવાઈ રહ્યું છે. જેને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આટલા જ પ્રમાણમાં પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવાનો આવી રહ્યો છે. ઉકાઈ ડેમની હાલની સપાટી 334.91 ફૂટ છે. રૂલ લેવલ વહીવટી તંત્ર દ્વારા 335 નક્કી કરવામાં આવ્યું છે. તેને કારણે હવે જેટલી ઉકાઈ ડેમમાં આવક થઈ રહી છે, એટલી પાણીની જાવક પણ કરી દેવામાં આવી છે..

તાપી નદી પરના મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડાતા ઉકાઈ ડેમની જળ સપાટી વધી રહી છે. હાલમાં ઉકાઈ ડેમના 9 દરવાજા 4 ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. બીજી તરફ ઉપરવાસમાં આવેલા હથનુર અને પ્રકાશા ડેમમાંથી  પાણી છોડવામાં આવી રહ્યું છે. તેના લીધે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી રહી છે,  હવામાન વિભાગની સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ચાર દિવસ સુધી વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી છુટાછવાયા વરસાદી ઝાપટાને બાદ કરતાં મેઘરાજાએ એકંદરે વિરામ લીધો છે. મેઘરાજાના વિરામને પગલે શહેરીજનોએ પણ રાહત અનુભવી છે. જો કે, ઉકાઈ ડેમની સપાટી જાળવવા માટે તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં અવિરત વરસાદને પગલે ડેમમાં હાલમાં ઈનફ્લો 82 હજારને વટાવી ચૂક્યો છે. એકધારી પાણીની આવકને પગલે ડેમની સપાટી પણ રૂલ લેવલ 335ને લગોલગ પહોંચી ચૂકી છે. આ સ્થિતિમાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જોખમ લેવાને બદલે ડેમમાં પાણીની આવક જેટલું જ પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા હથનુર ડેમની 214 મીટરની ભયજનક સપાટીની સામે હાલ 210 મીટરે પહોંચતા ડેમમાંથી 37 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ રીતે જ પ્રકાશા ડેમની પણ 111 મીટરની ભયજનક સામે 109 મીટરે સપાટી પહોંચી છે. હાલમાં પ્રકાશા ડેમમાંથી 83 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની રુલ લેવલની સપાટી જાળવી રાખવા માટે વહીવટી તંત્ર કોઈપણ પ્રકારના જોખમ લીધા વગર જેટલી ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે, એટલી જાવક પણ કરી દીધી છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. વહીવટી તંત્ર હાલ 335 ફૂટ ઉપર જ નજર રાખીને બેઠું છે અને શક્ય હોય તેટલું રોડ લેવલ જાળવી રાખવા માટેનો પ્રયાસ કરી રહ્યું છે.

#UkaiDam #TapiRiver #WaterRelease #DamWaterLevel #DamManagement #FloodControl #WaterFlow #DamUpdate #Rainfall #MaharashtraDams #SuratWeather #GujaratFloods #Hydrology #WaterResource #DamOperations #RainForecast