- આજથી ત્રણ દિવસ ટ્રેનોની 100થી વધુ ટ્રિપ્સ દોડાવાશે,
- મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદ સહિત શહેરો માટે ખાસ ટ્રેનો દોડાવાશે,
- અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓ ટ્રેનોનું તત્કાલ બુકિંગ કરાવી શકશે
અમદાવાદઃ દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી ઈન્ડિગો એરલાઈન્સની વિમાની સેવાના ધાંધિયાથી પ્રવાસીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. અનેક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. અનેક ફ્લાઈટ 5થી 10 કલાક મોડી પડી રહી છે. પ્રવાસીઓને એરપોર્ટ પહોંચ્યા બાદ ખબર પડે છે કે ફ્લાઈટ રદ કરવામાં આવી છે. અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પ્રવાસીઓએ હોબાળો પણ કર્યો હતો. ત્યારે પશ્વિમ રેલવે દ્વારા અમદાવાદ એરપોર્ટ પર RCTC નું કાઉન્ટર ખૂલતા પ્રવાસીઓ ટ્રેનનું તત્કાલ બુકિંગ કરાવી શકશે, રેલવે દ્વારા આજથી ત્રણ દિવસ એટલે કેસ તા. 7, 8 અને 9 ડિસેમ્બરના રોજ 89 વિશેષ ટ્રેનની 100થી વધુ ટ્રિપ્સ દોડાવવાનો નિર્ણય લીધો છે. જેમાં મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદના રૂટ પર ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.
પશ્વિમ રેલવે દ્વારા વિમાની પ્રવાસીઓની મુશ્કેલી હલ કરવા માટે ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આજથી 9 ડિસેમ્બર સુધી અનેક ઝોનમાં 89 વિશેષ ટ્રેન સેવાઓ (100થી વધુ ટ્રિપ્સ) દોડાવવામાં આવશે. આજે 7 ડિસેમ્બરના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં ઇન્ડિગોની કુલ 32 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જેમાં ડિપાર્ચર 17 અને અરાઇવાલ 15 જેટલી ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જ્યારે સુરતમાં સવારની બે ફલાઈટ કેન્સલ છે, જે સુરત આવતી ઈન્ડિગોની હૈદરાબાદ અને દિલ્હીની ફ્લાઇટ રદ્દ છે. ત્યારે પ્રવાસીઓ માટે પશ્ચિમ રેલવેએ અમદાવાદ એરપોર્ટ કામચલાઉ નવું કાઉન્ટર શરૂ કર્યું છે. IRCTC નું કાઉન્ટર ખૂલતા પ્રવાસીઓને હવે ફ્લાઇટ કેન્સલ થતાં રેલવેમાં બુકિંગ માટેનો તરત ઓપ્શન મળી રહેશે.
દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઈન્ડિગો હાલમાં સૌથી મોટા ક્રાઈસીસમાંથી પસાર થઈ રહી છે. નવા પાયલટ રુલ્સના કારણે 2 હજારથી પણ વધારે ફ્લાઈટ્સ કેન્સલ થઈ છે. લાખો મુસાફરો દેશના અલગ અલગ એરપોર્ટ પર રઝળી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા 4 દિવસમાં હજારો મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના PRO અજય સોલંકીએ જણાવ્યું હતું કે, હમણાં યાત્રીઓની ફ્લાઇટ મિસ થઈ રહી છે અથવા તો કેન્સલ થઈ રહી છે એના માટે જ તેમણે હેલ્પડેસ્ક બનાવ્યું છે, કે જે હમણાં ત્યા IRCTCનું કાઉન્ટર પણ ખોલી દીધું છે. આપણે જેમ વેસ્ટર્ન રેલ્વે સ્પેશિયલ ટ્રેન દોડાવી રહી છે. કોઈને જો બુકિંગ કરવું હોય તો કરવી શકે છે.

