Site icon Revoi.in

ઉનાળાના આકરા તાપમાનને લીધે સૌરાષ્ટ્રના જળાશયોમાં નીર ઘટવા લાગ્યા

Social Share

રાજકોટ, 12 માર્ચ 2026: Water levels in Saurashtra reservoirs start decreasing due to summer સૌરાષ્ટ્રભરમાં આકરા ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે. અને રાજકોટ, સુરેન્દ્રનગર સહિત શહેરોમાં તાપમાનનો પારે 42 ડિગ્રીએ પહોંચી ગયો છે. તાપમાનમાં વધારો થતાં જ સૌરાષ્ટ્રના જળાશયોમાં ભરાયેલા નીર ઘટવા લાગ્યા છે. જેમાં રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા પાંચમાંથી માત્ર રાજકોટ અને મોરબી જિલ્લામાં 50% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સૌથી ઓછું દ્વારકા જિલ્લાના જળાશયોમાં 22 ટકા પાણી છે. જ્યારે જામનગર જિલ્લાના જળાશયોમાં 38 ટકા તો સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં 35 ટકા પાણી છે. જેથી હવે સૌરાષ્ટ્રના લોકોને સૌની યોજનાનો આશરો લેવો પડે તેવી પરિસ્થિતિ છે.

રાજકોટ જિલ્લા સિંચાઈ વિભાગના સૂત્રોના કહેવા મુજબ  હાલ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના ડેમોની સ્થિતિ અંગે ડેટા કલેક્શનની કામગીરી ચાલુ છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં 22 ટકા, જામનગરમાં 38 ટકા, મોરબીમાં 50 ટકા, રાજકોટમાં 53 ટકા અને સુરેન્દ્રનગરમાં 40 ટકા ડેમો ભરેલા છે. સિંચાઈ માટેનું પાણી ડેમોમાંથી આપવામાં આવે છે જ્યારે પીવાના પાણી માટે બાકીના ડેમો રિઝર્વ રાખવામાં આવેલા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સૌની યોજના અંતર્ગત જરૂરિયાત મુજબ ડેમોમાં પાણી ઠાલવવામાં આવે છે. આજી 1,2,3 અને ભાદર – 1 ડેમ પર વોટર સપ્લાય માટે આધાર રાખવાનો હોય છે. આ ઉપરાંત કરમાડ ડેમમાં 18.43 ટકા, ઈશ્વર્યા ડેમમાં 9.33 ટકા, કરણુકી ડેમમાં 13.93 ટકા, ગોંડલી ડેમમાં 11.37 ટકા, વાછપરી ડેમમાં 29.58 ટકા, વેરી ડેમમાં 59.26 ટકા, ભાદર ડેમમાં 49.17 ટકા, સુર્વો ડેમમાં 59.71 ટકા, મોતીસર ડેમમાં 36.05 ટકા, કબીર સરોવર ડેમમાં 12.17 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

આ ઉપરાંત છાપરવાળી 2 ડેમમાં, 26.9 ટકા, ફોફળ એક ડેમમા 56.74 ટકા, ભાદર 2 ડેમમાં 74.41 ટકા, સોડવદર ડેમમાં 39.05 ટકા, મોજ ડેમમાં 43.25 ટકા, ન્યારી એક ડેમમાં 65.19 ટકા, ન્યારી 2 ડેમમાં 57.39 ટકા, ડોંડી ડેમમાં 54.74 ટકા, આજી એક ડેમમાં 79.11 ટકા, લાલપરી ડેમમાં 87.48 ટકા, આજી 2 ડેમમાં 91.11%, આજી 3 ડેમમાં 56.28 ટકા, ખોડાપીપર ડેમમાં 70.67 ટકા જ્યારે ફાડદંગ બેટી ડેમમાં 40.56 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

Exit mobile version