Site icon Revoi.in

બનાસકાંઠામાં રેતીની 277 લીઝ રદ કરાતા ડમ્પરોના પૈડાં થંભી ગયા

Social Share

ડીસા, 9 એપ્રિલ 2026:  બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં રેતીના ખનન પર બ્રેક વાગી ગઈ છે. સરકાર દ્વારા રેતીની લીઝોની મુદત વધારવામાં ન આવતા 31 માર્ચ 2026થી 277 લીઝોના કોડ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે ડીસા અને કાંકરેજ તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં રેતી વહન કરતા ડમ્પરોના પૈડાં થંભી ગયા છે અને તેની સાથે જોડાયેલા અનેક શ્રમિક પરિવારોની રોજીરોટી પર સંકટના વાદળો છવાયા છે.

બનાસ નદીની સાદી રેતી તેની ગુણવત્તાને કારણે માત્ર ગુજરાત જ નહીં, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા પાડોશી રાજ્યોમાં પણ ભારે માંગ ધરાવે છે. સરકાર દ્વારા 5 વર્ષની શરતે ફાળવવામાં આવેલી રેતીની લીઝોની મુદત 31 માર્ચના રોજ પૂર્ણ થઈ છે. કાંકરેજ તાલુકામાં માંડ બે-ત્રણ લીઝો કાર્યરત છે, જ્યારે બાકીની તમામ લીઝો બંધ કરી દેવામાં આવતા બાંધકામ ઉદ્યોગમાં રેતીની ભારે અછત સર્જાઈ છે. જેના કારણે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ચાલી રહેલા ખાનગી મકાનોના કામો તેમજ સરકારના મહત્વના બાંધકામ પ્રોજેક્ટ્સ પણ અટકી પડયા છે. જો લીઝો સત્વરે રિન્યુ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં બાંધકામ ક્ષેત્રે મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જોકે બીજી બાજુ બનાસ નદીમાં મોટાપાયે રેતીનું ખનન થઈ રહ્યું હતું. જેથી પર્યાવરણને પણ અસર પડી હતી.

રેતીના લીઝ ધારકો અને ટ્રાન્સપોર્ટરોએ ગાંધીનગર ખાણ-ખનીજ કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે કે, લાખો પરિવારોના હિતમાં માનવતાવાદી અભિગમ દાખવીને લીઝો રિન્યુ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવી જોઈએ. બનાસકાંઠામાં 437થી સાદી રેતીની લીઝો છે. જે પૈકી 160 લીઝો હાલમાં ચાલુ છે.જ્યારે 277 લીઝો રિન્યુ ન કરાતા આ વ્યવસાય સાથે સંકળાયેલા ડ્રાઈવરો, ક્લીનરો, મજૂરો અને ટ્રક માલિકો અત્યારે ભારે મુશ્કેલીમાં છે. અનેક ટ્રાન્સપોર્ટરોએ લોન પર વાહનો લીધેલાં હોય, હવે હપતા કેવી રીતે ભરવા તેની ચિંતા તેમને સતાવી રહી છે. ખેતી બાદ સૌથી વધુ રોજગારી આપતું આ ક્ષેત્ર બંધ થતા મધ્યમ અને શ્રમિક વર્ગની હાલત દયનીય બની છે.

Exit mobile version