Site icon Revoi.in

અંબાજીના રાણપુર નજીક ઈકોકારનું ટાયર ફાટતા પલટી, 10 પ્રવાસીઓને ગંભીર ઈજા

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં પ્રવાસીઓની હેરાફેરી કરતા શટલ વાહનો વાહનની કેપિસિટી કરતા વધુ પ્રવાસીઓને બેસાડતા હોવાથી અકસ્માતોના બનાવો બનતા હોય છે. અંબાજીના રાણપુર પાસે પૂરફાટ ઝડપે ઈકોકાર જઈ રહી હતી ત્યારે ઈકોકારનું ટાયર ફાટતા કાર પલટી ખાઈ જતાં ઈકોકારમાં પ્રવાસ કરતા 10 જણાંને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈકોકારમાં કૂલ 13 પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા હતા.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  અંબાજી નજીક રાણપુર પાસે ઈકો કાર પૂરફાટ ઝડપે જઈ રહી હતી. ત્યારે ઈકોકારનું ટાયર ફાયતા કારે પલટી મારી હતી. ઈકોકારમાં ખીચોખીચ 13 પ્રવાસીઓને બેસાડવામાં આવ્યા હતા. જેમાં 10ને ગંભીર ઈજાઓ થઈ હતી. આ અકસ્માતને લીધે હાઈવે પરના અન્ય વાહનચાલકો પણ દોડી આવ્યા હતા. અને બચાવની કામગીરી હાથ ધરી હતી. આ બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ પણ દોડી આવી હતી. ઈકોકાર અંબાજીથી ખેરોજ તરફ જઈ રહી હતી. ગરમીના કારણે ઇકો કારનું ટાયર ફાટતા ઇકો પલટી થઈ હોવાનું અનુમાન છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અકસ્માતને પગલે સ્થાનિક લોકોએ કારમાંથી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. કારમાં સવાર તમામ લોકો બાબરી પ્રસંગે અંબાજી ગયા હતા અને અંબાજીથી પરત ફરતાં રાણપુર પાસે ઘટના સર્જાઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને 108 દ્વારા અંબાજીની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તમામ ઘાયલો સાબરકાંઠાના ટેબડા ગામના હોવાનું જાણવા મળ્યું છે. હજી સુઘી જાનહાનીના કોઈ સમાચાર નથી.