Site icon Revoi.in

EDએ ‘ગુજરાત સમાચાર’ના માલિક બાહુબલી શાહની અટકાયત કરી

Social Share

અમદાવાદઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે અગ્રણી ગુજરાતી અખબાર ‘ગુજરાત સમાચાર’ના પરિસરમાં દરોડા પાડીને તેના માલિકોમાંના એક બાહુબલી શાહની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. બાહુબલી શાહ ‘લોક પ્રકાશન લિમિટેડ’ના ડિરેક્ટરોમાંના એક છે, જે ગુજરાત સમાચારની માલિકી ધરાવે છે. તેમના મોટા ભાઈ શ્રેયાંશ શાહ દૈનિકના મેનેજિંગ એડિટર છે.

શ્રેયાંશ શાહ દ્વારા સંચાલિત ગુજરાતી ન્યૂઝ ચેનલ ‘GSTV’ ના ડિજિટલ સર્વિસીસના વડા તુષાર દવેના જણાવ્યા અનુસાર, ED એ શુક્રવારે વહેલી સવારે બાહુબલી શાહને કસ્ટડીમાં લીધા હતા. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તુષાર દવેએ જણાવ્યું હતું કે, ED દ્વારા તેમને પહેલા VS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને પછી તેમની તબિયત બગડતા તેમને શહેરની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એજન્સીએ તેની કાર્યવાહીના કારણો વિશે કોઈ વિગતો આપી નથી. ગુજરાત સમાચારના એક કર્મચારીએ અહેવાલ આપ્યો કે શાહને શુક્રવારે સવારે ED દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને તેઓ હોસ્પિટલમાં છે. આવકવેરા વિભાગે અમદાવાદમાં GSTV પરિસરમાં લગભગ 36 કલાક સુધી સર્ચની કાર્યવાહી કરી હતી.

બીજી એક ફેસબુક પોસ્ટમાં તુષાર દવેએ જણાવ્યું હતું કે આવકવેરા અધિકારીઓ ગયા પછી ગુરુવારે સાંજે ED એ પરિસરમાં દરોડા પાડ્યા હતા. ગુજરાતના ધારાસભ્ય અને કોંગ્રેસના રાજ્ય એકમના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીએ EDની ટીકા કરતા કહ્યું કે ગુજરાત સમાચાર અને તેના માલિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે કારણ કે અખબાર છેલ્લા 25 વર્ષથી કેન્દ્ર સરકારની ટીકા કરતા સમાચાર પ્રકાશિત કરી રહ્યું છે.