Site icon Revoi.in

સુરેન્દ્રનગરના નાયબ મામલતદારની EDએ કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડ મંગાયા

Social Share

  સુરેન્દ્રનગર તા. 24મી ડિસેમ્બર 2025: Deputy Mamlatdar arrested by ED  જિલ્લા કલેકટર સહિત અધિકારીઓના નિવાસસ્થાને ગઈકાલે મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ઈડી) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડીના અધિકારીઓએ કરેલા સર્ચ બાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે, ઈડીની ટીમ દ્વારા મોરીને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે વધુ પૂછપરછ અને પુરાવાઓ એકત્ર કરવા માટે ઈડી દ્વારા કોર્ટ પાસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવશે.

સુરેન્દ્રનગરના કલેકટર સહિત મહેસુલની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓના નિવાસસ્થાને મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ઈડી) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન તપાસમાં ખુલ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જે ફાઇલનો વહિવટ‎ કરવાનો હોય તે ઘરે લઇ જતા હતા. જેથી તેમના બંગલામાંથી 100 ફાઈલો જપ્ત કરવામાં આવી હતી, જેને લઈ કલેક્ટર પણ શંકાના દાયરામાં ઘેરાયેલા છે. ઈડીના અધિકારીઓએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરીને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે ઈડીની વિશેષ અદાલતમાં રજૂ કરાયો હતો. કોર્ટે ઈડીને શરૂઆતમાં ખખડાવી કે શા માટે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આરોપીને રજૂ ના કર્યો?. જેના જવાબમાં ઈડીએ કહ્યું કે કેસની ગંભીરતાને જોતાં સ્પેશિયલ કોર્ટમાં લાવ્યા છીએ. કોર્ટે EDની અટક અંગે- ક્યારે અટક કરી, પરિવારને જાણ કરી વગેરે પ્રશ્નો પૂછ્યા હતા. ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે દિલ્હી પોલીસમાં નોંધાયેલી ખંડણીની એક ફરિયાદની તપાસમાં આરોપી સામે વાંધાજનક મટીરિયલ મળ્યું હોવાથી અટકાયત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદા૨ ચંદ્રસિંહ મોરીને ત્યાં ગઈકાલે મંગળવારે વહેલી સવારથી આડીએ દરોડા પડ્યા હતા. અધિકારીના ઘરે વહેલી સવારથી જ ઈડી દ્વારા સર્ચ-ઓપરેશન હાથ ધરાયું હતું. આ તપાસ વઢવાણ અને સુરેન્દ્રનગર એમ બે અલગ-અલગ સ્થળોએ ચાલી હતી. આઠથી વધુ વાહનો અને પોલીસ-બંદોબસ્ત સાથે સવારથી જ કાર્યવાહી શરૂ કરાઈ હતી. એક ટીમે કલેક્ટરના બંગલા પર તપાસ કરી હતી, જ્યારે બીજી ટીમ વઢવાણના રાવળવાસમાં આવેલા નાયબ મામલતદારના નિવાસસ્થાને પહોંચી હતી.  કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલ 2015ની બેંચના IAS અધિકારી છે. તેઓ અગાઉ સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા તેમજ 4/2/2025ના રોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકેનું તેમનું પ્રથમ પોસ્ટિંગ છે. ઈડી દ્વારા સતત 14 કલાક સુધી કલેકટરના નિવાસ્થાને સર્ચ-ઓપરેશન ચાલ્યું હતું. સવારથી ચાલેલા મેગા સર્ચ-ઓપરેશન દરમિયાન ઈડીના અધિકારીઓએ મીડિયા સાથે વાત કરવાનો ઈનકાર કર્યો હતો. તપાસ કયા મુદ્દે હાથ ધરવામાં આવી છે એ અંગેનું કારણ અકબંધ રાખવામાં આવ્યું છે, જોકે આ તપાસ બાદ અનેક બેનામી સંપત્તિઓ અને અન્ય ગેરરીતિઓના ઘટસ્ફોટ થવાની શક્યતા છે.

Exit mobile version