Site icon Revoi.in

ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાનું ઘણું મહત્વ છે, વિદ્યાથી મોટું કોઈ દાન નથીઃ રાજ્યપાલ

Social Share

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60માં પદવીદાન સમારોહમાં 43 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત

રાજકોટ, તા. 25 ડિસેમ્બર 2025: Saurashtra University’s 60th convocation ceremony રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા અને શિક્ષણમંત્રી  ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારોહ યોજાયો હતો.

કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે  ‘સ્વદેશી અપનાવો, સ્વદેશી બિરદાવો’ની થીમ સાથે યોજાયેલા આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વિદ્યાથીઓ અને ગુરુજનોએ પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે, જેના પરિણામે વિદ્યાથીઓ અભ્યાસ પૂર્ણ કરીને પદવી મેળવી શક્યા છે. ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાનું ઘણું મહત્વ છે. વિદ્યાથી મોટું કોઈ દાન નથી. શિષ્યોને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ. આપણી પ્રાચીન શિક્ષણ પરંપરામાં ગુરુ માટે આચાર્ય શબ્દ પણ વપરાયો છે. જે શિષ્યોને ફક્ત અક્ષરજ્ઞાન નથી આપતા, પરંતુ તેની સાથેસાથે શિષ્યોના સર્વાંગી વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરે, તેમના જીવન નિર્માણની જવાબદારી પણ ઉપાડે છે, એ આચાર્ય.

પ્રાચીન કાળમાં ભારત અનેક વિદ્યાઓથી સમૃદ્ધ દેશ હતો. લોકો શિક્ષા પ્રાપ્ત કરવા માટે ભારતમાં આવતાં હતાં. વર્તમાન સમયમાં દેશ આ જૂની પરંપરા સાથે કદમ મિલાવી રહ્યો છે. પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં વિદેશીઓ અભ્યાસ કરવા માટે આવી રહ્યાં છે, જે ગૌરવપૂર્ણ બાબત છે. નવી શિક્ષણ નીતિમાં કૌશલ્ય પર પણ ભાર અપાયો છે. અભ્યાસમાં જાણકારીની સાથે વિવિધ કલાઓનો પણ સમાવેશ થતાં યુવાનો ભણતર ઉપરાંત પોતાના આગવા કૌશલ્યો વિકસાવીને પણ રોજગારી મેળવી શકે છે, તેમ રાજ્યપાલએ ઉમેર્યું હતું.

પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી  ડો. પ્રદ્યુમનભાઈ વાજાએ પદવી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું કાર્ય કરે છે. જ્યારે માતા-પિતા-ગુરુ વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાન અને સંસ્કારનું સિંચન કરવાનું કાર્ય કરે છે.

દીક્ષાંત એ અંત નહીં, પરંતુ દેશ પ્રત્યે ફરજ અને જવાબદારી નિભાવવાનો પ્રારંભ છે, તેમ શીખ આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને પરિપૂર્ણ કરવામાં વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનના ભંડારનો સદુપયોગ કરી સહભાગી બને. યુવા વિદ્યાર્થીઓને ‘જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર’ બનવાની પ્રેરણા આપતાં મંત્રી પ્રદ્યુમનભાઈએ સ્વદેશી અને ‘આત્મનિર્ભર’ ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવામાં સમર્પિત બનવા પણ આહવાન કર્યું હતું.

 કુલપતિ ડૉ. ઉત્પલભાઈ જોશીએ શાબ્દિક પ્રવચન કર્યું હતું. શિક્ષણ શાખાના ડીન  ડો. નીદત્ત બારોટ અને કુલસચિવ  મનીષ ધામેચાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન  ડો. ધારાબેન જોશી અને શ્રી ડો. ચંદ્રાવાડીયાએ કર્યું હતું. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

ઉલ્લેખનીય એ છે કે, આ કાર્યક્રમમાં કુલ 43.792  વિદ્યાર્થીઓને પદવી અપાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને દાતાઓના સહયોગથી 186  વિદ્યાર્થીઓને 271  પ્રાઈઝ અપાયા હતાં. તેમજ વિદ્યાર્થીનીઓને 129 ગોલ્ડ મેડલ તથા વિદ્યાથીઓને 49 ગોલ્ડ મેડલ એમ 14 વિદ્યાશાખાના 160 વિદ્યાર્થીઓને કુલ 178 ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતાં.

Exit mobile version