Site icon Revoi.in

ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

Social Share

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે આજે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે, 20 જિલ્લાઓમાં 122 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. 20 ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. 21 ઓક્ટોબરે તેની ચકાસણી કરવામાં આવશે. 23 ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકાશે. આ તબક્કા માટે મતદાન 11 નવેમ્બરે થશે.. ચૂંટણી પંચે ઉમેદવારી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

243 સભ્યોની બિહાર વિધાનસભાના બંને તબક્કા માટે મતગણતરી 14 નવેમ્બરે થશે. 7 કરોડ 82 લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કામાં પશ્ચિમ અને પૂર્વ ચંપારણ, સીતામઢી, શિવહર, મધુબની, સુપૌલ, અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા અને કટિહાર જિલ્લામાં મતદાન થશે. આ સિવાય ભાગલપુર, બાંકા, જમુઈ, નવાદા, ગયા, ઔરંગાબાદ, જહાનાબાદ, અરવાલ, કૈમુર અને રોહતાસ જિલ્લામાં પણ મતદાન થશે.

ચૂંટણી પંચે સાત રાજ્યોની આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ વિધાનસભા મતવિસ્તાર જમ્મુ કાશ્મીરમાં બડગામ અને નાગરોટા, રાજસ્થાનમાં અંતા, ઝારખંડમાં ઘાટસિલા, તેલંગાણામાં જ્યુબિલી હિલ્સ, પંજાબમાં તરનતારન, મિઝોરમમાં ડંપા અને ઓડિશામાં નુઆપાડા છે. જમ્મુ અને કાશ્મીર અને ઓડિશા માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર છે અને ઝારખંડ, મિઝોરમ, પંજાબ, તેલંગાણા અને રાજસ્થાન માટે 21 ઓક્ટોબર છે. આ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી 11 નવેમ્બરે યોજાશે અને મતગણતરી 14 નવેમ્બરે થશે.