- 9 મહાપાલિકામાં મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂંકો કરાઈ,
- વર્ષના અંતે 15 મહા પાલિકાઓની ચૂંટણી યોજાશે,
- શહેરમાં વોર્ડ વાઈઝ મતદાર યાદી તૈયાર કરાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં મહિનાઓ પહેલા નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, આણંદ, પોરબંદર અને નડિયાદ નગરપાલિકાઓને મહા નગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ આ તમામ શહેરમાં મ્યુનિ,કમિશનરોએ વહિવટ સંભાળી લીધો છે. તમામ નવ મહાનગર પાલિકાઓમાં નવા વિસ્તારોનો પણ સમાવેશ કરાયો હતો. નવી રચાયેલી આ મહાનગર પાલિકાઓમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાયા બાદ હવે તેઓની મદદ માટે મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, અને આ વર્ષના અંતે નવ રચિત તમામ મહા પાલિકામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં આ વર્ષના અંતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. રાજ્યમાં નમ રચિત 9 નવી મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. નવી રચિત મહાનગરપાલિકાઓમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરાયા બાદ હવે તેઓની મદદ માટે મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાતમાં શહેરોમાં વસતી અને વિસ્તારમાં વધારો થતાં વન શહેરોની નગરપાલિકાઓને મહા નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ પહેલાં 2002માં જૂનાગઢ અને છેલ્લે 2010માં ગાંધીનગર મહાનગરપાલિકા બની હતી. રાજ્યમાં હાલ 8 મહાનગરપાલિકાઓ હતી. તેમાં હવે નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, આણંદ, પોરબંદર અને નડિયાદનો સમાવેશ કરાતા મહાનગરપાલિકાઓની સંખ્યા 17 થઈ ચૂકી છે.
ગુજરાતમાં 6 જૂની અને 9 નવી મળી કુલ 15 મહાનગરપાલિકાઓની આ વર્ષના અંતે ચૂંટણીઓ યોજાશે. જેની તૈયારીઓ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે નવી રચાયેલી મહાનગરપાલિકાઓમાં જરુરી કામગીરીને વેગ આપવા માટે મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે.