Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળી બિલ ન ભરતા 1204 ધારકોના વીજળી કનેક્શનો કપાયા

Social Share

સુરેન્દ્રનગર, 17 ફેબ્રુઆરી 2026:  ઝાલાવાડ પંથકમાં ચાર મહિનાથી વધુ સમયથી વીજળી બિલ બાકી હોય એવો ગ્રાહકોના વીજ કનેકશનો કાપવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં બે કરતા વધુ વીજબીલ બાકી હોય એવા 1204 ગ્રાહકોના વીજ જોડાણો કાપી દેતાં બાકીદારોમાં દોડધામ મચી હતી. કુલ રૂ. 2.67 કરોડની બાકી રકમ સામે વીજ કનેક્શનો કાપવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર મહિના કે તેથી વધુ સમયથી વીજળી બિલ બાકી હોય એવા વીજ ગ્રાહકોને નોટિસ આપ્યા છતાંયે બિલ ન ભરતા પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન કાપવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલ દ્વારા તાકીદ કરવામાં આવી હતી કે, બાકી રકમ ભરાશે નહીં તો આગળ પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.

સુરેન્દ્રનગર વર્તુળ કચેરીએથી પ્રાપ્ત માહિતી મુજબ જોડાણોમાં રહેણાંકના 1015, ખેતીના 50 અને કોર્મશિયલના 139 જોડાણોનો સમાવેશ થાય છે. જાન્યુઆરી માસ દરમિયાન જ જિલ્લામાં 2841 ટીમોએ બાકી વસૂલાત અને તપાસ કામગીરી હાથ ધરી હતી. દરેક ટીમમાં લાઇન સ્ટાફ અને ક્લેરિકલ એમ બે કર્મચારી સામેલ હતા. તંત્રના સંકલિત અભિયાનને કારણે જૂના બાકી વીજબીલ પેટે જાન્યુઆરીમાં રૂ. 14.43 કરોડની વસૂલાત કરવામાં સફળતા મળી છે.

પીજીવીસીએલના સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લામાં અંદાજે 86,000 ગ્રાહકો પાસે મળી કુલ રૂ. 59 કરોડ જેટલું વીજબીલ બાકી છે. વારંવાર નોટિસ આપ્યા બાદ પણ રકમ ન ભરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આથી જ પૂરતી રકમ ભરો, નહીં તો કનેક્શન કટ કરીશું, એવી તાકીદ પણ કરાઇ છે. વસૂલાત દરમિયાન ઘણા ગ્રાહકો વિવિધ બહાના પણ રજૂ કરતા હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે પૈસા નથી,  કેટલાક ગ્રાહકો આર્થિક તંગી બતાવે છે, તો કેટલાક બિલ વધુ આવ્યું હોવાનું, કેટલાક ગ્રાહકો સરકારી સહાય કે સબસિડીની રાહ જોવાનું હોવાથી વીજ બિલ ન ભર્યાનું કહેતા હતા. કોર્મશિયલ વર્ગમાં કેટલાક વેપારીઓ ધંધામાં મંદીનું કારણ દર્શાવતા હતા. .

Exit mobile version