ગાંધીનગર, 16 એપ્રિલ 2026: Workers deprived of wages for 6 months in MNREGA scheme ગુજરાતમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) યોજના હેઠળ કામ કરતા મજૂરો અને કર્મચારીઓ છેલ્લા 5-6 મહિનાથી વેતનથી વંચિત હોવાના મુદ્દે કફોડી સ્થિતિમાં મુકાયા છે. મનરેગા યોજનામાં ઊના અને ગીરગઢડા સહિતના વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે, જ્યાં મજૂરો અને કર્મચારીઓ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. સરકારી અધિકારીઓ ગ્રાન્ટનું બહાનું કાઢી રહ્યા છે.
ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયનના પ્રમુખ રાકેશકુમારના કહેવા મુજબ રાજ્યભરમાં મનરેગા સાથે જોડાયેલા કર્મચારીઓ અને મજૂરોને નિયમિત રીતે કામ કરવા છતાં 5-6 મહિનાથી પગાર મળ્યો નથી. સરકારની વહીવટી પ્રક્રિયા અને ફંડ મેનેજમેન્ટમાં ખામીઓના કારણે જ આ વિલંબ સર્જાયો છે. પગાર નહીં મળતા અનેક કર્મચારીઓ અને મજૂરોના પરિવારો પર આર્થિક સંકટ ઊભું થયું છે. રોજિંદા ખર્ચ માટે લોકોને ઉધાર લેવું પડે છે અને જીવન જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ સમસ્યા વધુ ઘેરાઈ રહી છે.
મનરેગા કર્મચારી યુનિયન દ્વારા સરકારને તાત્કાલિક બાકી રહેલા વેતન ચૂકવવા અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે સુવ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો વહેલી તકે પગલાં નહીં લેવામાં આવે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે.

