યુરોપમાં ઉર્જા કટોકટી વધુ ઘેરી બનશે: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને પગલે તેલ અને ગેસના ભાવમાં તોતિંગ વધારો
બ્રસેલ્સ, 1 એપ્રિલ 2026: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે યુરોપના દેશો પર જોવા મળી રહી છે. યુરોપમાં તેલ અને ગેસના ભાવમાં થયેલો તોતિંગ વધારો નજીકના ભવિષ્યમાં ઘટવાની કોઈ શક્યતા નથી. યુરોપિયન યુનિયન (EU) ના એનર્જી કમિશનર ડેન જોર્ગેનસેને ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો આવતીકાલે યુદ્ધ વિરામ થઈ જાય અને શાંતિ સ્થપાય, તો પણ ઇંધણના ભાવ ટૂંક સમયમાં સામાન્ય સ્તરે પરત ફરશે નહીં.
કમિશનરે વધુમાં ઉમેર્યું કે, 27 સભ્ય દેશો ધરાવતા યુરોપિયન યુનિયનમાં હાલ તેલ અને ગેસના પુરવઠાની તાત્કાલિક અછત નથી, પરંતુ ડીઝલ અને જેટ ફ્યુઅલની ઉપલબ્ધતા પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. વૈશ્વિક ગેસ બજારમાં સર્જાયેલા અવરોધોને કારણે વીજળીના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે. ગેસના ભાવમાં અંદાજે 70 ટકાનો વધારો નોંધાયો છે. ઈંધણની અછત આયાત પાછળ ઈયુનો ખર્ચ 14 અબજ પુરો વધી ગયો છે.
વધતી જતી મોંઘવારી સામે પરિવારો અને ઉદ્યોગોને રક્ષણ આપવા માટે યુરોપિયન કમિશન હવે એક્શન પ્લાન તૈયાર કરી રહ્યું છે. ઉર્સુલા વોન ડેર લેયેન દ્વારા અપાયેલા સૂચનો મુજબ, ગેસ અને વીજળીના ભાવને અલગ કરવા, વીજળી પરના ટેક્સમાં ઘટાડો કરવો અને જરૂર જણાય તો ઉર્જા કંપનીઓ પર ‘વિન્ડફોલ ટેક્સ’ (વધારે નફા પરનો ટેક્સ) લાદવા જેવા વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે.
આ કટોકટી વચ્ચે યુરોપ હવે રશિયા પરની પોતાની ઉર્જા નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ કરવા તરફ આગળ વધી રહ્યું છે. પહેલા યુરોપમાં 45 ટકા રશિયાથી આવતો હતો હાલની સ્થિતિએ આ આંકડો ઘટીને માત્ર 10 ટકા આવી રહ્યો છે. રશિયન ગેસની આયાત શૂન્ય કરવા માટે હવે અમેરિકા, અઝરબૈજાન, અલ્જીરિયા અને કેનેડા જેવા દેશો સાથે નવા કરારો કરવામાં આવી રહ્યા છે.
જોર્ગેનસેને તમામ સભ્ય દેશોને અપીલ કરી છે કે તેઓ અલગ-અલગ નીતિઓ બનાવવાને બદલે સંકલિત પગલાં ભરે. તેમણે ચેતવણી આપી હતી કે જો દરેક દેશ પોતાની રીતે નિર્ણય લેશે તો બજારમાં વધુ અસ્થિરતા આવશે. ભૂતકાળમાં રશિયાએ જે રીતે ઉર્જાનો ઉપયોગ હથિયાર તરીકે કર્યો હતો, તે ભૂલ ફરી ન દોહરાવવા માટે યુરોપિયન દેશોએ એકજૂથ થવું અનિવાર્ય છે.


