ભૂજઃ ગુજરાતમાં છેલ્લા એક-દોઢ દાયકાથી કચ્છના પ્રવાસન ક્ષેત્રનો સારોએવો વિકાસ થયો છે. હવે કચ્છના પ્રવાસન સ્થળોને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરવા માટે G-20 સમિટની બેઠકનું કચ્છના સફેદરણ તરીકે ઓળખતા પ્રવાસન સ્થળ ધોરડો ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ દેશના ડેલીગેટસ કચ્છના મહેમાન બન્યા હતા. ધોરડોના સફેદ રણ ખાતે કેમલ સફારી અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખીઓ રજૂ કરીને વિદેશી મહેમાનોનું કચ્છી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રી જી. કે. રેડ્ડી ઉંટના ચાલક બન્યા હોય તેવી તસવીર પણ વાયરલ થઈ હતી. તેમણે રણને મોજભેર માણ્યું હતું. કચ્છની સંસ્કૃતિની ઝલક સાથે વિદેશી પ્રતિનિધિ મંડળના સભ્યોને શ્વેત રણમાં મીઠેરો આવકાર આપવામાં આવ્યો હતો.
કચ્છના ધોરડો ખાતે G-20 સમિટની બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. વિદેળી મહેમાનો માટે વોચ ટાવર વિસ્તારમાં રોડના શોના લોક સંગીતમાં જોડિયા પાવા, મોરચંગ, સુરંદો, ગડા- ગમેલા, કચ્છી કાફી તેમજ કચ્છની ગ્રામીણ વેશભૂષામાં સજ્જ થયેલા કલાકારોએ કચ્છી લોક નૃત્યોને પેશ કર્યું હતું. કેમલ સફારી સાથે કચ્છની ગ્રામીણ સંસ્કૃતિને નિહાળીને ડેલિગેટસે આનંદ અનુભવ્યો હતો. સફેદ રણમાં આથમતા સૂરજની સોનેરી સંધ્યા વચ્ચે વિવિધ દેશના પ્રતિનિધિઓએ સેલ્ફી લઈને સફેદ રણની મજા માણી હતી.
ધોરડોના સફેદ રણમાં G-20 સમિટની ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી વિદેશી મહાનુભાવો ભાવવિભોર થયા હતા. સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સહ ગાલા ડિનરનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની રંગારંગ પ્રસ્તુતિ જોઈને વિદેશી મહેમાનો ભાવવિભોર થઈ ગયા હતા. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી, ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, મુખ્ય સચિવ રાજકુમારની હાજરીમાં સૂર્યાસ્ત બાદ ‘જયતુ જયતુ ગુજરાત’ ગીત અને નૃત્યથી સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ થયો ત્યારે ધોરડોની સફેદ રણની ધરા પર જાણે ગુજરાત તેમજ દેશની અસ્મિતાના રંગો પથરાયા હતા. કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગના સચિવ અરવિંદસિંઘ, રાજ્યના નાણાં વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર, રાજ્યના પ્રવાસન સચિવ હારિત શુક્લ, ગુજરાત પ્રવાસન વિભાગના મેનેજીંગ ડિરેકટર આલોક પાંડે, કચ્છ કલેકટર દિલીપ રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.