નવી દિલ્હીઃ દિલ્હી અને NCRમાં વધતા વાયુપ્રદૂષણને નિયંત્રિત કરવા માટે હવા ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM)ની 25મી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દિલ્લીમાં માત્ર BS-VI, CNG, LNG અથવા ઇલેક્ટ્રિક વાહનોને જ માલ વાહક તરીકે પ્રવેશની મંજૂરી મળશે. જોકે, દિલ્લીમાં નોંધાયેલા BS-IV કેટેગરીના હળવા, મધ્યમ અને ભારે વાહનોને 31 ઑક્ટોબર 2026 સુધી તાત્કાલિક રાહત આપવામાં આવી છે. દિલ્હીમાં પ્રદુષણ ફેલાવતા કોમર્શિલ વાહનના પ્રવેશ ઉપર 1 નવેમ્બરથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
CAQMએ સ્પષ્ટ કર્યું છે કે પંજાબ, હરિયાણા, દિલ્લી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન**ના અધિકારીઓને હવે સીધી કાર્યવાહી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જો કોઈ અધિકારી પરાળી સળગાવનારા સામે કાર્યવાહી નહીં કરે, તો તેના સામે પણ કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. આ નિર્ણયનો હેતુ ખેતરોમાં પરાળી સળગાવવાની ઘટનાઓ પર તરત નિયંત્રણ મેળવવાનો છે.
આયોગે જણાવ્યું કે 10 વર્ષ જૂની ડીઝલ અને 15 વર્ષ જૂની પેટ્રોલ ગાડીઓ પર પ્રતિબંધ અંગેનો પહેલાનો આદેશ હાલ સ્થગિત રાખવામાં આવ્યો છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશ બાદ લેવામાં આવ્યો છે, જેમાં અદાલતે આ વાહન માલિકો સામે બળજબરીથી કાર્યવાહી ન કરવાની સૂચના આપી હતી. બેઠકમાં દિલ્લી અને NCR ના વિન્ટર એક્શન પ્લાનની સમીક્ષા પણ કરવામાં આવી હતી. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સરકારોને સુચના આપવામાં આવી છે કે તેઓ ફસલ અવશેષ વ્યવસ્થાપનને કડક રીતે અમલમાં મૂકે અને દેખરેખ વધારે, જેથી ઠંડીના સમયમાં પ્રદૂષણ નિયંત્રણમાં રહે.
CAQMએ સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગ્રીન ફટાકડાઓનું વેચાણ માત્ર 18થી 20 ઑક્ટોબર સુધી જ NCRના પસંદગીના વિસ્તારોમાં થશે. ફટાકડા ફોડવાની મંજૂરી માત્ર દિવાળીની રાત્રિ અને તે પહેલાંની સાંજના નક્કી કલાકોમાં જ આપવામાં આવશે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અને રાજ્ય બોર્ડોને સૂચના આપવામાં આવી છે કે તેઓ 14થી 25 ઑક્ટોબર વચ્ચે હવા ગુણવત્તા પર નજર રાખે. સાથે જ, ફટાકડાઓનો વધારે ઉપયોગ થતી જગ્યાઓમાંથી રેત અને પાણીના નમૂનાઓ પણ લેવામાં આવશે.