
આજે પર્યાવરણ દિન ઊજવાયોઃ રાષ્ટ્રિય ઉદ્યાનો અને વન્ય પ્રાણી અભ્યારણ્યોમાં પ્લાસ્ટિક કચરાના નિકાલની ઝુંબેશ
ગાંધીનગરઃ રાજ્યમાં આજે 5મી જુને પર્યાવરણ દિનની ઊજવણી કરવામાં આવી હતી. મહાનગરોમાં રોપાઓના વિતરણના કાર્યક્રમો યોજાયા હતા. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા અમદાવાદ સહિત 8 મહાનગરોમાં તુલસીના 21 લાખ રોપાનું વિતરણ કરાયું હતું. અમદાવાદમાં 5 લાખ, સુરતમાં 2 લાખ, વડોદરા, રાજકોટમાં એક-એક લાખ અને અન્ય મહાપાલિકાઓમાં 50 હજાર તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજ્યભરમાં આજે પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લા અને તાલુકા સ્તરે તમામ કચેરીઓમાં તુલસીના રોપા રોપવામાં આવ્યા હતા. તેમજ રાષ્ટ્રિય ઉદ્યાનો અને વન્ય પ્રાણી અભ્યારણ્યોમાં પ્લાસ્ટિક કચરાના નિકાલની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલિયમ ઉત્પાદનોના વપરાશથી પ્રદુષણ ઓછું થાય તે માટે ઇથેનોલ મિશ્રિત બળતણને પ્રોત્સાહન આપવા માટે ખાંડ અને ડિસ્ટલરી ઉત્પાદકોના વિસ્તૃતિકરણની મંજૂરી 15 દિવસમાં આપવાનો નિર્ણય કરાયો છે.
રાજ્યમાં 47 લાખ કિ.ગ્રા.જેટલા કોવિડ બાયોમેડિકલ વેસ્ટને 20 જેટલી કોમન બાયોમેડિકલ વેસ્ટ ઇન્સિનરેશન ફેસેલિટી મારફતે નિકાલ કરાયો હોવાનું નાયબ વન સંરક્ષકે જણાવ્યું હતું. વડોદરાના કમાટીબાગ વનવિભાગની નર્સરીથી 11 હજારથી વધુ લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારતા અને શરદી-સળેખમ સહિતના રોગોમાં ઉપયોગી મનાતી અને એન્ટીવાઇરલ સહિતના ઔષધિય ગુણો ધરાવતી તુલસીના રોપાઓ લઇ ગયા હતા.
એટલું જ નહીં સવારથી શરૂ કરાયેલા કાર્યક્રમમાં મુસ્લિમ મહિલાઓ પણ રોપા લેવા આવી હતી. એક જ દિવસમાં તુલસીના 11 હજાર છોડ સહિત 15 હજાર વિવિધ રોપાનું વિતરણ કરાયું હતું. આગામી દિવસમાં 1 લાખ રોપાનું વિતરણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ વિશે વાત કરતા ડીસીએફ કાર્તિક મહારાજાએ જણાવ્યું હતું કે, ‘તુલસીના ઔષધિય ગુણોથી સૌ કોઇ વાકેફ છે. અમે કુલ એક લાખ રોપાઓ તૈયાર રાખ્યા છે. પહેલા દિવસે તુલસીના જ રોપાઓ લેવા માટે લોકોનો વિશેષ ધસારો જોવા મળ્યો હતો. મુસ્લિમ સહિતના તમામ વર્ગના લોકો તુલસીના છોડવાઓ લઇ ગયા હતા, જે બતાવે છે કે તમામ વર્ગના લોકોમાં જાગૃતિ આવી છે.’
આ ઉપરાંત વનવિભાગ દ્વારા 500 હોસ્પિટલોના કોરોના વોરિયર્સને પણ 5000 છોડવાઓ ભેટસ્વરૂપે આપ્યા હતા. એટલું જ નહીં 500 છોડવાઓને વિવિધ હોસ્પિટલોના પરિસરમાં રોપવામાં આવ્યાં હતા. તુલસી ઉપરાંત નગોડ, અરડુસી, એલોવેરા સહિતના રોપા લોકો લઇ ગયા હતા.