
અમદાવાદ: ગુજરાતમાં તલાટી-મંત્રીની ખાલી પડેલી 3437 જગ્યાઓ માટે આશરે આઠ લાખ જેટલા ઉમેદવારો 7મી મેના રોજ પરીક્ષા આપશે. ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર માટે પણ આ પરીક્ષાનું સુપેરે આયોજન કરવું એ એક કસોટીરૂપ બની ગયું છે. આજે બપોરે 1 વાગ્યાથી તલાટીની પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરીને ઉમેદવારો મેળવી રહ્યા છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ-3 સંવર્ગની ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રીની 3437 જગ્યાઓ પર ભરતી માટે આગામી 7મી મેના રોજ લેખિત પરીક્ષા યોજાશે. જે માટે 8 લાખ 64 હજાર 400 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ખામી ન સર્જાય અને કોઈ અવ્યવસ્થા ન રહે અને સુવ્યવસ્થિત રીતે પરીક્ષા લેવાય તે માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખાસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર (એસઓપી) તૈયાર કરવામાં આવી છે.
પંચાયત સેવા પસંદગી મંડળની તલાટી કમ મંત્રીની સ્પર્ધાત્મ પરીક્ષા માટે સ્ટ્રોંગ રુમથી માંડીને પરીક્ષા ખંડ સુધી કેવા પ્રકારની સુવિધા રહેશે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. 7 મેના રોજ આયોજિત લેખિત પરીક્ષા રાજ્યના 30 જિલ્લાઓમાં યોજાશે. આ પરીક્ષા માટે ખાસ પરીક્ષા સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિના અધ્યક્ષ જે તે જિલ્લાના જિલ્લા કલેક્ટર રહેશે. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી સભ્ય અને ચીફ જિલ્લા કો-ઓર્ડિનેટરની ફરજ બજાવશે. આ પરીક્ષાના સંપુર્ણ આયોજન માટે વ્યવસ્થા અને સંચાલન માટે જે તે જિલ્લાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, તેમજ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જિલ્લાના શહેરી વિસ્તાર માટે પોલીસ કમિશનર સંયુક્ત રીતે જવાબદાર રહેશે.
આ ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી પણ સમિતિમાં સભ્ય રહેશે. રાજ્યકક્ષાના સ્ટ્રોંગરુમથી જ્યારે સીલબંધ ખાનગી મટિરિયલ જિલ્લા કક્ષાના સ્ટ્રોંગરુમમાં આવે ત્યારે સીલબંધ ખાનગી મટિરીયલ વાહનમાંથી ઉતારતી વખતે અને સ્ટ્રોંગરુમમાં મુકતી વખતે તેમજ પરીક્ષાના દિવસે કેન્દ્ર પર સાહિત્ય રવાના કરતા સમયે તેમજ પરીક્ષા પુર્ણ થતા સાહિત્ય પર મેળવી રાજ્ય સ્ટ્રોંગરુમ માટે રવાના કરતા સમયે પરીક્ષા સમિતિએ હાજર રહેવા આદેશ કરાયો છે. જિલ્લામાં એક કરતા વધુ સ્ટ્રોંગ રુમ હોય ત્યાં પરીક્ષા સમિતિના અધ્યક્ષ અલગ અલગ સ્ટ્રોંગરુમ પર પરીક્ષા સમિતિ વતી પરીક્ષા સમિતિના કયા સભ્ય હાજર રહી મટીરીયલ સ્વીકારવાની સીલ કરવાની અને ડિસ્ટ્રીબ્યુટ કરવાની જવાબદારી સંભાળશે તેનો લેખિત હુકમ કરશે.