Site icon Revoi.in

ગાંધીનગર નજીક માતાની નજર સામે જ સગીર પૂત્રનું અપહરણ કરતા ખંડણીખોરો

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર નજીક જાખોરા ગામના પાટિયા પાસે ગઈ રાતના સમયે માતા-ફોઈ અને સગીર પૂત્ર કોઈ વાહનની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન એક કાળા કલરની અને કાળા કાચવાળી કાર લઈને આવેલા ચાર શખસોએ કાર ઊભી રાખીને મહિલાને ધક્કો મારીને તેના પૂત્રને બળજબરીથી ખેંચીને કારમાં બેસાડીને અપહરણ કર્યું હતું. કારમાં જતાં મહિલા પાસે ત્રણ લાખની ખંડણી માગવામાં આવી હતી, આ બનાવની જાણ થતાં જ ચીલોડા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમોએ ચારે દિશામાં ઘનિષ્ઠ તપાસનો દોર હાથ ધર્યો છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ગાંધીનગરના જાખોરા ગામ ખાતે રહેતા મૂળ વિજાપુરનાં વતની ગીતાબેન અને તેમના પતિ વિનુભાઈ સલાટ ખેત મજુરી કરી ગુજરાન ચલાવે છે. સાતેક મહીનાથી દંપતી પાંચ સંતાનો સાથે મહેસાણાનાં હેડુઆ ગામના રામાભાઈ ઈશ્વરભાઈ પટેલના બોરકુવા ઉપર રહી ખેતરમાં ભાગીયા તરીકે ખેત મજુરી કરતા હતા. પરંતુ રામાભાઈએ ઘરખર્ચી નહીં આપતા વીસેક દિવસથી દંપતી સંતાનો સાથે જાખોરા ગામે રહેવા આવી ગયા હતા. દરમિયાન બપોરના ગીતાબેન તેમની નણંદ ચંપાબેન અને 16 વર્ષના દીકરા સાથે દશેલા ગામે મોટા પુત્રના ઘરે ગયા હતા. અને સાંજના સાતેક વાગે ચાલતાં ચાલતાં દશેલાથી જાખોરા જવા માટે નિકળ્યા હતા. અને રાતના આઠ વાગ્યાના અરસામાં જાખોરા ગામના પાટીયા રોડથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક કાળા કલરની કાર પાછળથી અચાનક આવીને ઊભી રહી હતી જેમાથી ત્રણ શખસોએ નીચે ઉતરી સગીરને ખંચીને બળજબરીથી કારમાં બેસાડી દીધો હતો. આ જોઈને દીકરાને છોડાવવા ગીતાબેન અને તેમના નણંદે પ્રયાસો કર્યા હતા. પણ અજાણ્યા શખસોએ ધક્કો મારી દૂર ખસેડી દીધા હતા. એ વખતે કારમાં આગળની સીટમાં અગાઉથી બેઠેલા શખસએ ગીતાબેનને ત્રણ લાખ આપી દીકરાને છોડાવી જવા કહ્યું હતું. ચારેય અપહરણકારો સગીરનું ફિલ્મી ઢબે કારમાં અપહરણ કરીને દશેલા તરફ નાસી છુટયા હતા. એ વખતે ગીતાબેન અને તેમની નણંદ પાસે મોબાઈલ નહીં હોવાથી બંને તાબડતોબ ઘરે પહોંચી ગયા હતા. ત્યારબાદ પરિવારજનો સાથે ચીલોડા પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. અને ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે પોલીસે જણાવ્યું કે ગીતાબેને શંકા વ્યક્ત કરી ફરિયાદ આપી છે કે, અગાઉ રામાભાઈના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હતા. એ સમયે પાક સારો પાકતા ખર્ચીનાં પૈસા માગ્યા હતા. જે પૈસા તેમણે આપ્યા ન હતા. અને ઉપાડ લીધો હોવાનું કહીને રૂપિયા માગ્યા હતા. જે બાબતે સાંથલ પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી હતી. હાલમાં સગીરની ભાળ મેળવવા ટીમો કામે લાગી છે.