Site icon Revoi.in

રાપરના ચિત્રોડ ગામે નકલી કોલગેટ બનાવતી ફેકટરી પકાડાઈ, 9.43 લાખનો મુદ્દામાલ જપ્ત

Social Share

રાપર તાલુકાના ચિત્રોડ ગામે ડુપ્લીકેટ કોલગેટ ટૂથપેસ્ટ બનાવતી ફેક્ટરીનો ગાગોદર પોલીસે પર્દાફાશ કર્યો છે. ગાગોદર પીઆઈ વી.એ. સેગલ અને તેમના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલ અંગે કોલગેટ કંપનીને જાણ કરતા કંપની દ્વારા આ ટૂથપેસ્ટ ડુપ્લીકેટ હોવાનું પુષ્ટિ કરવામાં આવી હતી. પોલીસે કુલ 9,43,574 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ડુપ્લીકેટ ટૂથપેસ્ટનો જથ્થો અને તેની બનાવટમાં વપરાતી સામગ્રીનો સમાવેશ થાય છે.

આ મામલે કોલગેટ કંપનીના કર્મચારી લક્ષ્મણ ચોલાઈ વિશ્વકર્મા (મુંબઈ) દ્વારા ગાગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે રાજેશ ડાયાભાઈ મકવાણા, સુરેશ મહેશભાઇ ઉમટ, નટવર અજાભાઈ ગોહિલ અને નરપત ઉર્ફે નરૂ ડાયાભાઈ મકવાણા (તમામ રહે. નલિયાટીંબા, તા. રાપર) સામે ગુનો નોંધ્યો છે.

આરોપીઓ ચિત્રોડ ગામે સરકારી દવાખાનાની બાજુમાં આવેલી દુકાનમાં અને રવેચી લાઈટ ડેકોરેશન નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે કોલગેટ પામોલીવ કંપનીના પરવાના વિના ડુપ્લીકેટ ટૂથપેસ્ટનું ઉત્પાદન કરતા હતા. આરોપીઓ સામે બી.એન.એસ. તથા કોપીરાઈટ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગે ગાગોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Exit mobile version