Site icon Revoi.in

પાટડીના આદરિયાણા ગામે સોનીના ઘરે નકલી ઈન્કમટેક્સ અધિકારીઓને રેડ પાડી તોડ કર્યો

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના પાટડી તાલુકાના આદરીયાણા ગામમાં રહેતા એક સોનીના ઘરે એક ઠગ ટોળકીએ આવીને પોતે ઈન્કમ ટેક્સના અધિકારીઓ હોવાની ઓળખ આપીને ડરાવી-ધમકાવીને રિવોલ્વર બતાવી રૂ. 6.50 લાખની લૂંટ કરી શખસો ઈકો કારમાં ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે ચાર અજાણ્યા શખસો સામે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે, પાટડી તાલુકાના આદરીયાણા ગામમાં એક સોની પરિવારના ઘરે કાર લઈને ચાર શખસો આવ્યા હતા. અને પોતે ઈન્કમ ટેક્સના અધિકારીઓ હોવાની ઓળખ આપી હતી. અને તમે કરચોરી કરો છો. એટલે રેડ પાડવા આવ્યા હોવાનું કહ્યું હતુ. ઈન્કમ ટેક્સના અધિકારીઓની ફેક ઓળખ આપનારા શખસોમાં એક વ્યક્તિની ઉંમર 55 વર્ષ અને અન્ય ત્રણની ઉંમર 35 વર્ષની આસપાસ હતી. આરોપીઓએ પોતાને ઈન્કમટેક્સ ઓફિસર ગણાવી આઈકાર્ડ બતાવ્યું હતું. એક શખસે પેન્ટના નેફામાં રીવોલ્વર રાખી હતી. તેઓએ ઘરના તમામ સભ્યોના મોબાઈલ ફોન સ્વીચઓફ કરાવી દીધા હતા.તેમજ ઘરના બારી-બારણા બંધ કરી દીધા હતા.

ઈન્કમ ટેક્સના અધિકારી હોવાની ફેક ઓળક આપીને આરોપીઓએ ગિરીશભાઈ વિરુદ્ધ દિલ્હીમાં ફરિયાદ થઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે તિજોરીની ચાવી બળજબરીથી લઈ લીધી હતી. તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના બહાર કાઢ્યા હતા. બાજુના મકાનમાં રહેતા રાકેશ સોની આવતા તેને પણ કેસમાં સામેલ હોવાની ધમકી આપી હતી. આરોપીઓએ કેસ પતાવવા માટે પહેલા 10 લાખ અને પછી 6.50 લાખની માગણી કરી હતી. એક આરોપીએ રીવોલ્વર બતાવી નિતિનભાઈને ધમકાવ્યા હતા. આથી નિતિનભાઈએ 1.31 લાખ રોકડા અને 5.4 તોલા સોનું આપ્યું હતું. સોનાની કિંમત 5.19 લાખ રૂપિયા છે. આરોપીઓ GJ-07-DG-2865 નંબરની ઈકો કારમાં બસ સ્ટેન્ડ તરફ ફરાર થયા હતા. તપાસમાં આરોપીઓ નકલી ઈન્કમટેક્સ ઓફિસર હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે ચાર અજાણ્યા શખસો સામે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પોલીસ મથકના પીઆઇ પી.કે.ગૌસ્વામી ચલાવી રહ્યા છે.