Site icon Revoi.in

સુરતમાં આંગડિયા પેઢીના કર્મચારીને નકલી પોલીસે 16.55 લાખ મત્તાની લૂંટ કરી

Social Share

સુરતઃ શહેરમાં નકલી પોલીસની ઓળખ આપીને આંગડિયા પેઢીના કર્મચારીને મારમારીને 16.55 લાખ મત્તાની લૂંટનો બનાવ બન્યો છે. અમદાવાદની આંગડીયા પેઢીનો કર્મચારી સુરતમાં સોના, ચાંદી રાત્રે તથા હીરાના પાર્સલની ડીલીવરી કરવા માટે આવ્યો હતો.આંગડિયા  કર્મચારી વહેલી સવારે વરાછા વિસ્તારમાં વૈશાલી ત્રણ રસ્તા પાસે ટ્રાવેલ્સની બસમાંથી નીચે ઉતર્યો હતો. તે વખતે તેનો નકલી પોલીસ સાથે ભેટો થયો હતો. ફોરવ્હીલ કારમાં આવેલા ચાર અજાણ્યાઓએ આંગડીયા પેઢીના કર્મચારીને તારી બેગમાં ગાંજા છે કહી ગાડીમાં બેસાડી દઈ લાફા માર્યા બાદ રૂપિયા 16.55 લાખના મત્તાના પાર્સલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ અમરેલી, લાઠી ગામ ખાતે સિવિલ હોસ્પિટલની સામે બગીચા પ્લોટ ખાતે રહેતા રાજેશસિંહ ગલાબજી રાજપુત (ઉ.વ.53) આંગડીયા પેઢીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વહેલી સવારે તેમનો કર્મચારી નીકુલસિંહ રાજપૂત અમદાવાદ ખાતેથી ખાનગી ટ્રાવેલ્સ બસમાં હીરા તેમજ સોના ચાંદીના પાર્સલ ભરેલો થેલો લઈને સુરત આવ્યો હતો. નીકુલસિંહ મળસ્કે સાડા ચાર વાગ્યે વરાછા વિસ્તારમાં વૈશાલી ત્રણ રસ્તા પાસે બસમાંથી ઉતરીને વાહનની રાહ જોતો હતો. ત્યારે એક ફોરવ્હીલ કારમાં આવેલા ચાર અજાણ્યાઓ તેમની પાસે આવ્યા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી તારી બેગમાં ગાંજો છે. તેમ કહી ફોર વ્હીલ ગાડીમાં બેસાડી દીધો હતો. ચાલુ ગાડીમાં લાફાઓ મારી તેની પાસેથી મોબાઈલ ફોન અને રૂપિયા 16.55 લાખના હિરા તેમજ સોના ચાંદીના પાર્સલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે નિકુલસિંહ રાજપુતે તેના શેઠ રાજેશસિંહ રાજપૂતને જાણ કરતા તેઓએ ગતરોજ ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે તેમની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી ફોરવ્હીલ કારના નંબરના આધારે લૂંટારૂઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Exit mobile version