Site icon Revoi.in

ઊંઝા સહિત APMCમાં વેપારીઓએ ઈસબગુલની ખરીદી બંધ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

Social Share

મહેસાણાઃ ઈસબગુલ સીડ પર પહેલા ક્યારેય વેટ કે કોઈ ટેક્સ લાગતો નહોતો પણ હવે જીએસટી 5 ટકા લગાવાતા ઈસબગુલના દેશભરના વેપારીઓએ ખરીદી બંધ કરવાનો નિર્ણય લેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જીએસટી મામલે ઊંઝા સહિત માર્કેટ યાર્ડના વેપારીઓએ ઈસબગુલની ખરીદી બંધ કરી છે, જેને લઇ વેપારીઓની જીએસટી વિરોધમાં હડતાળથી ખેડૂતો મુશ્કેલીમા મૂકાયા છે અને માલ લઈને પરત ફરી રહ્યા છે.

ઊંઝા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને ભારતભરના ઈસબગુલ (Psyllium Seed) ના વેપારીઓએ ઈસબગુલની ખરીદી બંધ કરવાનો નિર્ણય લીધો છે. વેપારીઓએ ઈસબગુલ પર લાગતા 5 ટકા જીએસટીને સંપૂર્ણપણે દૂર કરવાની માંગ સાથે આ અનિશ્ચિતકાળની હડતાળ શરૂ કરી છે. જેના કારણે ઊંઝા માર્કેટ યાર્ડ સહિતના બજારોમાં સન્નાટો છવાઈ ગયો છે. વેપારીઓની મુખ્ય માંગ ઈસબગુલ સીડ પર લાગતા 5 ટકા જીએસટીને રદ કરાવવાની છે.

વેપારીઓના કહેવા મુજબ, 2017 માં જીએસટી લાગુ થયો તે પહેલાં ઈસબગુલ સીડ પર કોઈ વેટ (વેલ્યુ એડેડ ટેક્સ) લાગતો નહોતો. જોકે, જીએસટી લાગુ થયા બાદ, HSN કોડ 1112 માં ઈસબગુલ સીડનો સ્પષ્ટ ઉલ્લેખ કે ચોખવટ ન હોવાને કારણે વેપારીઓને 5 ટકા ટેક્સ ભરવો પડે છે. વેપારીઓનો તર્ક છે કે HSN કોડમાં ‘ફ્રેશ’ અને ‘ડ્રાય’ ઈસબગુલ વચ્ચે કોઈ ચોખવટ કે તફાવત કરવામાં આવ્યો નથી, જેના કારણે આ ટેક્સની સમસ્યા ઊભી થઈ છે. આ 5 ટકા ટેક્સ રદ કરવાની માગ સાથે મહેસાણા ઈસબગુલ વેપારી એસોશિયનના નેતૃત્વ હેઠળ ભારતભરના વેપારીઓ આ લડતમાં જોડાયા છે.  વેપારીઓના આ અચાનક નિર્ણયને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં આજે સવારે કેટલાક ખેડૂતો પોતાનો ઈસબગુલનો તૈયાર માલ લઈને પહોંચ્યા હતા. પરંતુ ખરીદી સંપૂર્ણપણે બંધ હોવાને કારણે ખેડૂતોનો માલ કોઈ ખરીદનાર મળ્યો નહોતો, જેના કારણે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.અને માલ લઇ પરત ફરવા મજબુર બન્યા હતા ખેડૂતો પાસે માલ પરત લઈ જવા ભાડું પણ ન હોવાથી ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. જ્યાં સુધી સરકાર દ્વારા ઈસબગુલ સીડ પર લાગતો 5 ટકા જીએસટી રદ કરવા અંગે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, ત્યાં સુધી વેપારીઓ દ્વારા ખરીદી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વેપારીઓની આ હડતાળને કારણે કરોડો રૂપિયાના વાર્ષિક વેપાર પર અસર પડી છે અને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.

 

Exit mobile version