- સરકારે ટેકાના ભાવ જાહેર કરવા છતાં ખરીદી કેન્દ્રો શરૂ ન થતાં ખેડૂતોમાં રોષ,
- સરકાર તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો શરૂ નહીં કરે તો ખેડૂતો આદોલન કરશે,
- દિવાળી ટાણે ખેડૂતોને સસ્તાભાવે મગફળી વેચવાની ફરજ પડી રહી છે,
ડીસાઃ ખરીફ સીઝન પૂર્ણ થતાં ખેડૂતો મગફળી સહિતનો પાક લઈને વેચવા માટે ડીસા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે. ત્યારે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીના કેન્દ્રો શરૂ ન કરતા ખેડૂતોને સસ્તા ભાવે યાર્ડમાં મગફળી વેચવાની ફરજ પડી રહી છે. ત્યારે ગઈકાલે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ ન કરાતાં ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જો સરકાર તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો શરૂ કરે, નહીં તો આંદોલનને વધુ તીવ્ર બનાવવાની ખેડૂતોએ ચીમકી આપી છે.
ગુજરાતમાં સરકારે મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યા હોવા છતાં ખરીદી કેન્દ્રો શરૂ ન થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડીસા યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને આપના કાર્યકર્તાઓએ એકત્ર થઈ ઉગ્ર રજૂઆત કરી હતી કે ટેકાના ભાવે મગફળીની ખરીદી તાત્કાલિક શરૂ કરવામાં આવે. ખેડૂતોનું કહેવું હતું કે નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા છતાં ખરીદી શરૂ ન થતાં ખેડૂતોને મગફળી ખુલ્લા બજારમાં ઓછી કિંમતે વેચવાની ફરજ પડી રહી છે, જેના કારણે ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેડૂતોની આ નારાજગીમાં સહભાગી બની તંત્ર સમક્ષ માંગણી કરી હતી ખેડૂતોને વધુ નુકસાન ન થાય તે માટે સરકાર તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો શરૂ કરે, નહીં તો આંદોલનને વધુ તીવ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી હતી. ડીસામાં મગફળી ખરીદી શરૂ ન કરાતાં ખેડૂતો એ હોબાળો મચાવ્યો હતો.