Site icon Revoi.in

બટાકાના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોએ સરકાર પાસે સબસિડીની કરી માગ

Social Share

પાલનપુર, 29 જાન્યુઆરી 2026:  જગતનો તાત કહેવાતા ખેડૂતો રાત-દિવસ મહેનત કરીને કૃષિપાક તૈયાર કરે છે. પણ ખેડૂતોને પુરતા ભાવ મળતા નથી. પણ ખેડૂતો પાસેથી ઉપજ ખરીદી લીધા બાદ વેપારીઓ મોંઘા ભાવે ગ્રાહકોને વેચાણ કરતા હોય છે. બનાસકાંઠામાં બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. હાલ બટાકાના ભાવમાં અચાનક થયેલા મોટા ઘટાડાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ વર્ષે સારા ઉત્પાદન છતાં, વાવેતરનો ખર્ચ પણ નીકળતો ન હોવાથી ખેડૂતો સરકાર પાસે સબસિડી અથવા ટેકાના ભાવે ખરીદીની માંગ કરી રહ્યા છે.

બનાસકાંઠાના ડીસા અમીરગઢ અને વડગામ પંથકમાં દર વર્ષે મોટા પાયે બટાકાનું વાવેતર થાય છે. ગત વર્ષે સારા ભાવ મળતાં આ વર્ષે ખેડૂતોએ મોંઘા બિયારણ લાવીને વધુ વાવેતર કર્યું હતું, જેના પરિણામે બટાકાનું ઉત્પાદન પણ સારૂએવુ થયુ છે. હાલ ખેતરોમાંથી બટાકા કાઢવાની શરૂઆત થતાં જ ભાવમાં અચાનક મોટો ઘટાડો થયો છે. ગત વર્ષે ખેડૂતોને એક મણ (20 કિલો) બટાકાના રૂ. 230 થી 250 મળતા હતા, જ્યારે આ વર્ષે હાલ રૂ. 90 થી 150 જ મળી રહ્યા છે. આ ભાવ ખેડૂતોને વાવેતર ખર્ચ પણ પૂરો પાડી શકતા નથી. ખેડૂતોના મતે, તેમણે રૂ. 1500ના મોંઘા બિયારણ, ખાતર અને ખેડાઈ પાછળ રાત-દિવસ મહેનત કરી હતી. ખેડૂતો જણાવી રહ્યા છે કે તેમને પ્રતિ વીઘે રૂ. 30 થી 35 હજારનો ખર્ચ થયો છે, જે પણ વસૂલ થતો નથી. જો સરકાર સબસિડી નહીં આપે અથવા ભાવમાં વધારો નહીં કરે તો તેઓ દેવાદાર બની જશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

આ અંગે ખેડૂતોના કહેવા મુજબ, આ વખતે બટાકાના ભાવ એકદમ નીચા છે, ગઈ સાલ  ઊંચા ભાવે વેચાતા બટાકા આ વર્ષે ગત વર્ષની તુલનાએ એકદમ નીચા ભાવ છે. ડીએપી (DAP)ના ભાવ પણ ઊંચા છે, એટલે ખેડૂતોને નુકસાન થઈ રહ્યુ છે.

Exit mobile version