1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં રાસાયણિક ખેતીના સ્થાને હવે પ્રાકૃતિક કૃષિનો વિકલ્પ ખેડુતોએ અપનાવવો જોઈએઃ મુખ્યમંત્રી
રાજ્યમાં રાસાયણિક ખેતીના સ્થાને હવે પ્રાકૃતિક કૃષિનો વિકલ્પ ખેડુતોએ અપનાવવો જોઈએઃ મુખ્યમંત્રી

રાજ્યમાં રાસાયણિક ખેતીના સ્થાને હવે પ્રાકૃતિક કૃષિનો વિકલ્પ ખેડુતોએ અપનાવવો જોઈએઃ મુખ્યમંત્રી

0
Social Share

સુરતઃ જિલ્લાના ખેડુતો રસાયણિક આધારિત ખેતીને તિલાંજલિ આપીને પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક ખેતી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાતના રાજ્યલાલ અને મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં સુરત જિલ્લાના કેટલાક ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં. જેમને પ્રાકૃતિક ખેતી કરી ખરા અર્થમાં પર્યાવરણને બચાવવાનું કામ કર્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીના સ્થાને હવે પ્રાકૃતિક કૃષિનો વિકલ્પ ઉપલબ્ધ છે. જેથી ગુજરાતના પ્રત્યેક કિસાનોએ ઝેરમુક્ત ખેતી કરવાનો સંકલ્પ લેવો જોઈએ, પ્રાકૃતિક ખેતીથી કૃષિખર્ચ ઘટશે, આરોગ્યદાયક ખાદ્યાન્ન મળશે તથા પર્યાવરણની રક્ષા થશે.

આઝાદીના અમૃત વર્ષના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રત્યેક ગામ દીઠ 75 કિસાનોને પ્રાકૃતિક ખેતી કરવા માટે સંકલ્પબદ્ધ કરવાનું આહવાન કર્યું હતું. જેને ઝીલી લઈને રાજ્ય સરકાર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની દિશામાં સંકલ્પકૃત્ત હોવાનું મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું. આઝાદીના અમૃત વર્ષમાં આપણે ભૂતકાળમાંથી શીખીને સોનેરી ભવિષ્ય માટેનો માર્ગ બનાવવાનો છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પડકારોનો સામનો કરીને દેશને નવા ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે એમ જણાવતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આવનારી પેઢીને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય બની છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં બેક ટુ બેઝીક એટલે કે કુદરત તરફ પાછા ફરવાની પ્રણાલી શરૂ થઈ છે. અગાઉ જે રોગો 60-65 વર્ષની ઉંમરમાં જોવા મળતા હતા, તે આજે યુવાવસ્થામાં જોવા મળી રહ્યાં છે. સમગ્ર વિશ્વ બદલાતી જલવાયુની અસરોને અનુભવી રહ્યું છે. આ સમસ્યાના મૂળમાં રસાયણો દ્વારા પકવેલો આપણો ખોરાક પણ એક કારણ છે. જેની સામે પ્રાકૃતિક કૃષિ અપનાવી, સજ્જ બની કૃષિને ટકાવી રાખવી અનિવાર્ય છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પર્વે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય દેશભરમાં કૃષિ ક્ષેત્રે રોલ મોડલ બનશે.તેમણે આ પ્રસંગે કૃષિ અને કિસાનની ઉન્નતિ તેમજ દેશની આર્થિક સમૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આઝાદી બાદ દેશની ખાદ્યાન્નની જરૂરિયાત પૂરી પાડવા હરિત ક્રાંતિ સ્વરૂપે પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ સમયની માંગ હતી. દેશના કૃષિ વૈજ્ઞાનિકોએ આ માટે પ્રશંસનીય કાર્ય કર્યું હતું. જેનાથી દેશ ખાદ્યાન્ન ક્ષેત્ર સ્વાવલંબી બન્યો છે. પરંતુ હવે રાસાયણિક કૃષિના દુષ્પરિણામ સામે આવી રહ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, આજે આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી ત્રસ્ત છે. નિષ્ણાતો માની રહ્યા છે કે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પાછળ રાસાયણિક અને ઓર્ગેનિક કૃષિનો 24 ટકા જેટલો ફાળો છે. રાસાયણિક કૃષિના કારણે જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થયા. ખાતરો અને જંતુનાશકોના અંધાધુંધ ઉપયોગથી જમીન બંજર બની રહી છે. કૃષિ ખર્ચ વધતો જાય છે અને ઉત્પાદન દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. રાસાયણિક કૃષિથી ઉત્પાદિત દૂષિત આહાર આરોગવાથી લોકોને કેન્સર હૃદય રોગ, ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગોના ભોગ બની રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક કૃષિના દૂષ્પરિણામોથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય પ્રાકૃતિક કૃષિ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code