Site icon Revoi.in

વાવ-થરાદના સવપુરા માઈનોર કેનાલમાં કચરો ભરાતા ખેડૂતોએ જાતે જ કેનાલ સાફ કરી

Social Share

થરાદ, 5 ફેબ્રુઆરી 2026: વાવ – થરાદ જિલ્લાના સવપુરા-વાછરડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં છેલ્લા એક મહિનાથી પૂરતું પાણી મળતું નથી. કેનાલમાં કચરો ભરાઈ ગયો હોવાથી સાફ કરાવવા માટે ખેડૂતોએ રજુઆતો કરી હતી. છતાંયે કોઈ પગલાં ન લેવાતા ખેડૂતોએ સ્વયંભૂ શ્રમદાનનો નિર્ણય લઈને જાતે જ કેનાલની સાફ સફાઈ કરી હતી.

થરાદ-વાવ જિલ્લાના સવપુરા-વાછરડા ગામના ખેડૂતોને કેનાલમાંથી પૂરતું પાણી મળતુ નહોતું. દરમિયાન ખેડૂતોએ તપાસ કરતા કેનાલમાં કચરો ભરાઈ ગયો હોવાથી પાણી ખેતરો સુધી પહોંચતું નહતું. આથી ગામના આગેવાનોએ કેનાલના અધિકારીઓને મળીને કેનાલ સાફ કરાવવાની માગ કરી હતી. પરતું સરકારી તંત્રમાં કોઈ પગલાં ન લેવાતા ખેડૂતોએ ભેગા મળીને કેનાલની સાફ સફાઈ માટેનો શ્રણયજ્ઞ આદર્યો હતો.

ખેડૂતોએ જણાવ્યું હતું કે, તીર્થગામની સીમમાં કેનાલની સફાઈ કરી રહ્યા છે, જ્યાં હાલ કેનાલના કૂવામાં પણ પાણી નથી. પૂરતું પાણી ન મળવાને કારણે ખેતી જોખમમાં મુકાઈ છે, જેથી સત્વરે પાણી પૂરું પાડવામાં આવે તેવી તેમની માગ છે.

આ અંગે નર્મદા નિગમના નાયબ કાર્યપાલક ઈજનેર લલિત પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને કેનાલ સફાઈ કરાવવાની ખાતરી આપી હતી. કેનાલમાં નીલ જામી જવાના કારણે સફાઈ નિયમિતપણે કરવામાં આવે છે, પરંતુ જો કોઈ જગ્યાએ રહી ગઈ હોય તો જાણ થતા જ સફાઈ કરાવી લેવામાં આવે છે.

Exit mobile version