Site icon Revoi.in

નવસારી નજીક મોબાઈલમાં વ્યસ્થ કારચાલકે બાઈકને અડફેટે લેતા પિતા-પૂત્રના મોત

Social Share

નવસારીઃ રાજ્યમાં વાહનચાલકોની બેદરકારીને લીધે અકસ્માતના બનાવો બની રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર સર્જાયો હતો. મોબાઈલમાં વ્યસ્ત કારચાલકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર પિતા-પુત્રનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈકસવાર પુત્ર બ્રિજ પરથી 30 ફૂટ નીચે ફંગોળાઈ ગયો હતો. આ અકસ્માતને લીધે લોકોના ટોળાં ઉમટ્યા હતા. પોલીસે કારચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, નવસારી-મરોલી રોડ પર કારચાલક મરોલીથી નવસારી તરફ આવી રહ્યો હતો, જ્યારે પિતા-પુત્ર નવસારીથી મરોલી તરફ જઈ રહ્યા હતા. કારચાલક પૂરઝડપે વાહન હંકારી રહ્યો હતો અને મોબાઈલ પર વાત કરી રહ્યો હતો, જેના કારણે તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેથી કાર સામેથી આવતી બાઇક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ગોળ ફરીને બ્રિજની દીવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઈકસવાર પિતાનું મોત નિપજ્યુ હતું. જ્યારે પુત્ર બ્રિજ પરથી નીચે પટકાતાં તેનું પણ મોત નીપજ્યું હતું. કારચાલકને પણ સામાન્ય ઈજાઓ થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ કારચાલકની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મૃતક પિતા-પુત્ર અને કારચાલક આ ત્રણેય મરોલીના જ રહેવાસી છે.

આ ઘટનાની જાણ થતાં જ મરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મરોલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Exit mobile version