Site icon Revoi.in

જામનગર નજીક તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જતા પિતા અને બે બાળકોના મોત

Social Share

 જામનગરઃ  શહેરના નાઘેડી વિસ્તારમાં પોદાર સ્કૂલ નજીકના તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન ગઈકાલે એક દુઃખદ ઘટના બની હતી. રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા પ્રજાપતિ કુંભાર પરિવારના પિતા અને બે બાળકોના ગણેશ વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબી જતાં તેમનું મોત થયા હતા.  જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમે તળાવમાંથી પિતા અને બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પિતા અને બે પૂત્રોની  આજે એક સાથે અંતિમયાત્રા નીકળી હતી. પિતા અને બે પુત્રની એકસાથે અર્થી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અંતિમયાત્રા વેળાએ બાળકોના મૃતદેહને ભેટી હૈયાફાટ રુદન કરતી માતાને જોઇ હાજર સૌકોઈ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.

આ બનાવની વિગત એવી હતી કે, જામનગર શહેરમાં ગણેશ વિસર્જન માટે નાઘેડી પાસેના લહેર તળાવના પાછળના ભાગે પહોંચેલા પ્રિતેશ દિનેશભાઈ રાવલ (ઉં.વ. 36) અને તેમના બે પુત્રો સંજય પ્રિતેશ રાવલ (ઉં.વ. 16) અને અંશ પ્રિતેશ રાવલ (ઉં.વ. 4) તળાવમાં ઊંડા ખાડામાં ડૂબી જતા ત્રણેયના મોત થયા હતા,. આ ઘટનાની જાણ થતાં જ પંચકોષી બી પોલીસ સ્ટેશનના પી.આઈ. રાઠોડ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી અને પિતા અને બંને બાળકોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. મૃતદેહોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં જ પ્રજાપતિ કુંભાર સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.

પિતા અને બે પુત્રની આજે અંતિમયાત્રા નીકળતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. અંતિમ દર્શન વખતે મૃતક બાળકોની માતા ભાંગી પડી હતી અને પતિ-પુત્રોના મૃતદેહોને ભેટીને રડી પડ્યા હતા. આ કરુણ દૃશ્ય જોઈને ઉપસ્થિત લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. એક જ પરિવારના ત્રણ સભ્યના અકાળ અવસાનથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

જામનગર મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ બનાવ્યા હોવા છતાં, લોકો અન્ય સ્થળોએ વિસર્જન કરવા જતાં હોવાથી દર વર્ષે આવી દુર્ઘટનાઓ બને છે.

Exit mobile version