1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કેસનો ડર બતાવી ડિજિટલ એરેસ્ટ કરી વદ્ધ પાસે 20 લાખ પડાવ્યા
ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કેસનો ડર બતાવી ડિજિટલ એરેસ્ટ કરી વદ્ધ પાસે 20 લાખ પડાવ્યા

ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કેસનો ડર બતાવી ડિજિટલ એરેસ્ટ કરી વદ્ધ પાસે 20 લાખ પડાવ્યા

0
Social Share
  • અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા વૃદ્ધ સાબર માફિયાની જાળમાં ફસાયા,
  • સીબીઆઈના અધિકારીની ફેક ઓળખ આપીને સિનિયર સિટિઝનને ધમકી આપી,
  • ગભરાયેલા વૃદ્ધે મ્યુચ્યુઅલ ફંડ્સ વેચીને કુલ રૂ. 20,53,986ની રકમ ટ્રાન્સફર કરી દીધી

અમદાવાદઃ  ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાની જાળમાં ફસાય રહ્યા છે. સાયબર માફિયાઓ ખાસ કરીને સિનિયર સિટિઝન્સને વધુ ટાર્ગેટ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં એક સિનિયર સિટિઝન્સ સાથે સાયબર ઠગાઈનો વધુ એક ગંભીર કિસ્સો નોંધાયો છે. જેમાં નકલી CBI અધિકારી તરીકે ઓળખ આપીને સાયબર માફિયીઓએ 77 વર્ષીય નિવૃત્ત મેનેજરને ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને ગેરકાયદે જુગારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને 20,53,986 રૂપિયા પડાવી લીધા હતા.

આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદના યેટેલાઈટ વિસ્તારમાં રહેતા 77 વર્ષના એક સિનિયર સિટિઝન્સને  અજાણ્યા શખ્સે ફોન કરીને તેમના મોબાઈલ નંબર અને જીયો ફાયબર સર્વિસ બંધ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારી તરીકેની ઓળખ આપીને વૃદ્ધને ડરાવવામાં આવ્યા કે તેમની સામે વિવિધ ગુનાઓમાં કેસ દાખલ થયો છે, એટલું જ નહીં, EDનો બનાવટી લેટર પણ તેમને મોકલવામાં આવ્યો હતો. આ સમગ્ર ષડયંત્રના પરિણામે ગભરાયેલા વૃદ્ધે આ મોટી રકમ ટ્રાન્સફર કરી દીધી, અને આ અંગે નિવૃત્ત મેનેજરે આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સાયબર ક્રાઈમ પોલીસ સૂત્રોના કહેવા મુજબ  અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા 77 વર્ષીય વૃદ્ધ સાથે થયેલી ઠગાઈમાં સૌપ્રથમ એક અજાણ્યા શખ્સે વૉટ્સએપ કૉલ કર્યો હતો. જેમાં તેણે પોતાની ઓળખ જીયો કંપનીના ‘કાર્તિક યાદવ’ તરીકે આપીને વૃદ્ધનો મોબાઇલ નંબર અને જીયો ફાઈબર સર્વિસ બંધ થવાની ધમકી આપી. જોકે, તરત જ આ કૉલ CBI અધિકારી ‘શંકર સુરેશ પાટીલ’ તરીકે ઓળખ આપતા અન્ય શખ્સ તરફ ટ્રાન્સફર થયો. આ નકલી અધિકારીએ વૃદ્ધને જણાવ્યું કે તેમના આધાર કાર્ડનો દુરુપયોગ કરીને ‘સુરેશ અનુરાગ’ નામના વ્યક્તિએ ગેરકાયદેસર બેંક એકાઉન્ટ ખોલાવ્યું છે. વધુમાં તેમના મોબાઇલ નંબરનો ઉપયોગ ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને ગેરકાયદે જુગાર જેવી ગંભીર પ્રવૃત્તિઓમાં થયો હોવાનું જણાવી વૃદ્ધને વધુ ડરાવ્યા કર્યા હતા. મામલાને વધુ વિશ્વાસપાત્ર બનાવવા માટે સર્વેલન્સ ટીમના ‘આનંદ રાણા’ નામના અન્ય ગઠિયાએ સુપ્રીમ કોર્ટનો બનાવટી લેટર મોકલ્યો અને ત્યાર બાદ વૉટ્સએપ વીડિયો કૉલ દ્વારા પોલીસના ગણવેશમાં સજ્જ મુંબઈના નકલી CBI અધિકારી સાથે વાત કરાવી હતી.

સાયબર ઠગોએ વૃદ્ધને વૉટ્સએપ કૉલ દ્વારા સતત ધમકાવવાનું ચાલુ રાખ્યું હતું, એટલું જ નહીં, તેમને ઘરની બહાર નીકળવા માટે પણ આ ગઠિયાઓની પરવાનગી લેવાની ફરજ પડતી હતી, જેનાથી તેઓ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગયા હતા. ત્યાર બાદ ઠગ આનંદ રાણાએ FEMA અને PMLA જેવા કાયદાઓ હેઠળ વધુ ગુનાઓ લાગુ થવાનું જણાવીને તેમને વધુ ડરાવ્યા હતા. જોકે, વૃદ્ધની ઉંમરને કારણે ધરપકડ ટાળવા માટે, ‘પ્રાયોરિટી ઇન્વેસ્ટિગેશન’ના બહાને મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે દબાણ કર્યું હતું. ગભરાયેલા વૃદ્ધે પોતાના મ્યુચ્યુઅલ ફંડ્સ વેચીને અને બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ. 20,53,986ની રકમ ઠગના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. પૈસા જમા થયા પછી પણ ગઠિયાઓએ જુદા જુદા નંબર પરથી વીડિયો કૉલ કરીને વધુ નાણાંની માંગણી ચાલુ રાખી જેના કારણે આખરે વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code