Site icon Revoi.in

થરાદમાં રવિ સીઝનના ટાણે જ ખાતરની તંગી, ખેડૂતોની લાંબી કતારો લાગી

Social Share

થરાદઃ જિલ્લામાં હાલ રવિ સીઝનના વાવેતરના કામમાં ખેડૂતો પરોવાયા છે. ત્યારે સીઝન ટાણે જ યુરિયા સહિત ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.  ખેડૂતોને ખાતર મેળવવા વહેલી સવારથી લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે, તેમ છતાં તેમને પૂરતો જથ્થો મળતો નથી. આ સ્થિતિને કારણે એરંડા અને રાયડા જેવા શિયાળુ પાકોના વાવેતર પર અસર પડી રહી છે, જેને તાત્કાલિક ખાતરની જરૂર છે.

જિલ્લાના મોટા ભાગના ડેપો પર ખાતરનો પુરતો સ્ટોક ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના કહેવા મુજબ  તેમને બે દિવસ સુધી રાહ જોયા પછી પણ ખાતર મળતું નથી. થરાદ વિસ્તારમાં ખાતરના અપૂરતા જથ્થાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે લાંબી લાઈનોમાં ઊભા રહ્યા પછી પણ તેમને જરૂરિયાત મુજબનું ખાતર મળતું નથી, જેનાથી તેમની ખેતીને નુકસાન થઈ રહ્યું છે. અન્ય એક  ખેડૂતે કહેવા મુજબ તેઓ ખાતર માટે સવારના પાંચ વાગ્યાથી લાઈનમાં ઊભા છે. વાવ થરાદ નવો જિલ્લો બનતા આસપાસના તાલુકાઓમાંથી પણ ખેડૂતો મોટી સંખ્યામાં આવી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા તે મુજબ ખાતરનો પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી. સંઘ દ્વારા વ્યવસ્થાના પ્રયાસો થાય છે, પરંતુ ખાતર ન આવતા તેઓ પણ લાચાર છે.

થરાદ સહકારી સંઘના સૂત્રોએ જણાવ્યું કે, યુરિયા ખાતર શુક્રવારે પણ આવ્યું હતું અને શનિવારે પણ આવ્યું છે. સરકારના નિયમ મુજબ લાઈનમાં ઊભેલા દરેક ખેડૂતને પાંચ-પાંચ બોરી ખાતર તાત્કાલિક આપવામાં આવે છે.

Exit mobile version