
કટોકટી સામેની લડત: વિશ્વની પહેલી અહિંસક જમણેરી ક્રાંતિ !
૨૫મી જૂન એટલે કટોકટી નખાયાના કાળા દિવસની કડવી સ્મૃતિ. કટોકટી કાળમાં ‘બેધડક સત્ય’ બોલવાનું કોઈ મીડિયાનું સાહસ નહોતું. બધાં ઈન્દિરા ગાંધીની ‘ગોદી’માં બેઠેલાં મીડિયાં હતાં. ન્યાયતંત્ર સંપૂર્ણ શરણે થઈ ગયું હતું. પોલીસના અત્યાચારોનો કોઈ પાર નહોતો. આવા સમયે કઈ રીતે વિશ્વની પહેલી જમણેરી અહિંસક ક્રાંતિ થઈ તેની રસપ્રદ વાતો.
(જયવંત પંડ્યા)
- જ્યારે ન્યાયતંત્ર સંપૂર્ણ શરણે થઈ ગયું હતું
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (એડીએમ) વિ. શિવકાંત શુક્લ અથવા હેબિયસ કૉર્પસ કેસ તરીકે જાણીતા કેસ ન્યાયતંત્ર પર ધબ્બો મનાય છે.
ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીમાં રાજકીય નેતાઓ, મજૂર સંઘના નેતાઓ, વિદ્યાર્થી નેતાઓ, નાગરિક સમાજના ચળવળકારો, કલાકારો વગેરેને ધડાધડ જેલમાં પૂરાઈ રહ્યા હતા. તેમનો ગુનો એટલો જ હતો કે તેઓ કટોકટી વિરુદ્ધ બોલી રહ્યા હતા. આનાથી તેમના નાગરિકો તરીકેના મૂળભૂત અધિકારોનો ભંગ થયો હતો.
તે વખતે કૉલેજિયમ દ્વારા ન્યાયમૂર્તિઓની નિમણૂક નહોતી થતી. વડા પ્રધાન જેને ઈચ્છે તેને મુખ્ય ન્યાયમૂર્તિ બનાવી શકતા હતા. સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિને મુખ્ય ન્યાયમૂર્તિ બનાવાતા હતા, પરંતુ જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધીએ અનેક વાર આ સિદ્ધાંતને અવગણીને પોતાના ગમતા ન્યાયમૂર્તિને મુખ્ય ન્યાયમૂર્તિ બનાવ્યા હતા.
કટોકટી વખતે અજિતનાથ રાય (એ. એન. રાય) આવા જ મુખ્ય ન્યાયમૂર્તિ હતા. અને ઉપરોક્ત એડીએમ વિરુદ્ધ શિવકાંત શુક્લના કેસમાં તેમણે સ્વાભાવિક જ બદલો વાળ્યો. દેશની બધી જ કૉર્ટોએ ચુકાદો આપ્યો હતો કે રાજકીય વંટોળ ગમે તેવો હોય, નાગરિક બંધારણની કલમ ૨૨૬ હેઠળ યોગ્ય ઉપાય માગી શકે છે. મુખ્ય ન્યાયમૂર્તિએ આ બધા ચુકાદાને એક બાજુએ મૂકી દીધા અને સામાન્ય નાગરિકની ધરપકડ થઈ હોય તો તેને શોધવા માટે તેના પરિવારજનો હેબિયસ કૉર્પસ યાચિકા કરી શકે તે ઉપાયના દરવાજા બંધ કરી દીધા.
વર્ષ ૨૦૧૮માં સર્વોચ્ચના ચાર ન્યાયમૂર્તિઓએ મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્ર સામે બળવો કર્યો હતો. તેમનો વાંધો એ હતો કે દીપક મિશ્ર અગત્યના કેસો વરિષ્ઠ ન્યાયમૂર્તિઓને નથી સોંપતા, પણ જુનિયર ન્યાયમૂર્તિઓને મોકલે છે.
જ્યારે કટોકટી વખતે તો લોકતંત્ર મરી પરવાર્યું હતું. તેમ છતાં કોઈ ન્યાયમૂર્તિનું સાહસ ન થયું કે મુખ્ય ન્યાયમૂર્તિના આ લોકતંત્ર વિરુદ્ધના ચુકાદા વિરુદ્ધ બોલે.
- મીડિયાના ઈન્દિરા ગાંધીને સાષ્ટાંગ દંડવત્
સમાચારપત્રો (એ વખતે ટીવી ચેનલો નહોતી, ડિજિટલનો તો પ્રશ્ન જ નહોતો) પર સેન્સરશિપ લાદી દેવાઈ હતી. તે વખતે ‘બેધડક સત્ય’ લખવાનું કોઈનું સાહસ નહોતું.
તે વખતે અગ્રણી સમાચારપત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા હતું. પરંતુ મહારાષ્ટ્રમાં જ્યારે તંત્રીઓને એક અધિકારીએ બોલાવી જાણ કરી કે હવે તમારે સમાચાર છાપતાં પહેલાં માહિતી ખાતાને બતાવી પરવાનગી લઈ પછી છાપવાના ત્યારે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’એ ઘૂંટણિયાં ટેકવી દીધાં હતાં. જોકે એક વાર મૃત્યુ નોંધના વિભાગમાં ચતુરાઈપૂર્વક એક મૃત્યુનોંધ છપાઈ હતી જે લોકશાહીની હત્યાનું વર્ણન કરતી હતી. એ મૃત્યુ નોંધ આ મુજબ હતી:
O’Cracy, D E M, beloved husband of T Ruth, loving father of L I Bertie, brother of Faith, Hope and Justicia, died on June 25.
આમાં જોઈ શકાય છે કે ડેમ- ઓક્રસી (લોકશાહી) જાણે કોઈ વ્યક્તિ હોય તેમ લખ્યું છે. ટ્રુથ – સત્યના સ્પેલિંગમાં ટી અલગ પાડી દેવામાં આવ્યો છે જેથી કોઈને ખ્રિસ્તી ટી. રૂથ જેવું વંચાય. આવું જ લિબર્ટી- સ્વતંત્રતામાં કરાયું છે જેથી કોઈને એલ. આઈ. બર્ટી વંચાય. મૃત્યુ નોંધમાં લખાયું હતું કે સત્યના પતિ, સ્વતંત્રતાના પિતા, શ્રદ્ધા, આશા અને ન્યાયના ભાઈ લોકતંત્રનું ૨૫ જૂને મૃત્યુ થયું છે.
પણ આ કામ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’નું નહોતું, કોઈ બહારના પત્રકાર અશોક મહાદેવનનું હતું. (મૃત્યુ નોંધ તો બહારથી લોકો મોકલતા હોય છે. તે વખતે અત્યાર જેવા કડક નિયમો કદાચ નહીં હોય.)
‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’એ તો પોલીસ તપાસમાં કહી દીધું, આ અમારું કામ નથી. અશોક મહાદેવન દાઢી કઢાવી પોલીસ નજરમાંથી છટકી ક્યાંક જતા રહ્યા.
માની લઈએ કે કટોકટીમાં પોલીસના ડંડા પડતા હતા એટલે પ્રિન્ટ મીડિયાએ દંડવત્ પ્રણામ કરવાનું સ્વીકારી લીધું હશે, પણ આ કટોકટીના પગરણ તો એક વર્ષ પહેલાં જ મંડાઈ ગયાં હતાં…
એક વર્ષ પહેલાં, ઈન્દિરા ગાંધીએ સમાચારપત્રોના સ્વામિત્વ (માલિકી)ની પેટર્નની તપાસ કરવા એક સમિતિ રચી હતી અને આ રીતે પ્રિન્ટ મીડિયાને કંટ્રૉલ કરવા માટે સંકેત આપી દીધા હતા. જે સમાચારપત્રો ઈન્દિરા વિરુદ્ધ લખતા હતા તેમને કાબૂમાં લેવા આ પગલું હતું. પરંતુ તે વખતે પણ કોઈએ ન તો ‘બેધડક સત્ય’ લખ્યું, કે ન તો પ્રેસ ક્લબમાં મીટિંગ કરી વિરોધ કર્યો.
અત્યારના મીડિયાના વાતાવરણના સંદર્ભમાં ઘણા જૂના દિવસોને યાદ કરે છે. અત્યારે મીડિયાને દલાલ મીડિયા, પ્રેસ્ટિટ્યૂટ, ગોદી મીડિયા જેવાં ઉપનામો મળ્યાં છે, પણ જ્યારે મીડિયાની વાત નીકળી છે ત્યારે એક રસપ્રદ વાત કરી લેવા જેવી છે. તેના પરથી ખ્યાલ આવશે કે નહેરુ-ગાંધી પરિવારનો મીડિયા પ્રત્યેનો દૃષ્ટિકોણ કેવો હતો. જવાહરલાલ નહેરુ પ્રેસને (તે વખતે ખાલી સમાચારપત્રો જ હોવાથી મીડિયાના બદલે પ્રેસ શબ્દ પ્રચલિત હતો અને પત્રકારો વાહન પર પણ પ્રેસ લખાવતા, આજે પણ લખાવે છે) ‘jute press’ કહેતા! આનું કારણ એ હતું કે ઘણા સમાચારપત્રો જ્યુટ એટલે કે શણના વેપારીઓ પોતાનાં હિતોની રક્ષા માટે ચલાવતાં પરંતુ નહેરુ આને શ્લેષ અલંકારમાં – જૂઠ પ્રેસના અર્થમાં કહેતા હતા.
કટોકટી પછી પણ મીડિયાને નિયંત્રણમાં રાખવા પ્રયાસો થયા હતા, પરંતુ તેની વાત ફરી ક્યારેક.
- કટોકટીને કોણે-કોણે સમર્થન આપ્યું હતું?
અત્યારે ઊછળી-ઊછળી વાત-વાતમાં લોકતંત્ર મરી પરવાર્યું છે તેવું રુદાલી ગાન કરતા ડાબેરીઓએ તો તેમનો ઇતિહાસ યાદ કરવા જેવો છે. કટોકટી કાળમાં ભારતીય સામ્યવાદી પક્ષ (સીપીઆઈ)એ આ લજ્જાસ્પદ પગલાનું સમર્થન કર્યું હતું. અત્રે એ યાદ અપાવવું આવશ્યક છે કે તે વખતે તે સૌથી મોટા વિપક્ષોમાંનો એક હતો. અને તેની કેરળમાં ઇ. એમ. એસ. નાંબુદ્રીપાદના નેતૃત્વમાં સરકાર હતી જેને ‘લોકતંત્રના સૌથી મોટા સંરક્ષક’ તરીકે મનાતા વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ બરતરફ કરી દીધી હતી. તેમ છતાં તેણે કટોકટીનું સમર્થન કર્યું હતું.
વર્ષ ૨૦૧૫માં સીપીઆઈને આખરે જ્ઞાન લાધ્યું હતું કે કટોકટીનું સમર્થન કરવું તેની મોટી ભૂલ હતી. સીપીઆઈના મહામંત્રી એસ. સુધાકર રેડ્ડીએ કહ્યું હતું કે પક્ષ તે વખતની રાજકીય વાસ્તવિકતા સમજવામાં ઉણો ઉતર્યો હતો.
આ જ રીતે જે લોકશાહીના બદલે ઠોકશાહી (માર મારવો)માં વધુ માને છે તે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેના પિતાજી બાળ ઠાકરેએ પણ કટોકટીને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. હકીકતે શિવસેનાની સ્થાપના કૉંગ્રેસના દિગ્ગજ નેતા વસંતરાવ (વી. પી.) નાયકના આશીર્વાદથી થઈ હતી. ૮૦ના દાયકામાં હિન્દુત્વની પ્રચંડ લહેર આવતાં બાળાસાહેબે પોતાનું વલણ બદલ્યું હતું અને વર્ષ ૨૦૧૯માં સત્તા માટે ઉદ્ધવે ફરી પોતાના વહાણની દિશા બદલી કૉંગ્રેસ ભણી કરી નાખી.
- કટોકટી સામેની અહિંસક લડતમાં સંઘની ભૂમિકા
સામાન્ય રીતે કોઈ પણ દેશમાં ક્રાંતિ થાય છે તો તેમાં લોહી રેડાયા વગર ક્રાંતિ થતી નથી. ભારતીય સ્વતંત્રતાની લડાઈને પણ અહિંસક લડાઈ કહેવામાં આવે છે પરંતુ તેમાં ઘણું લોહી રેડાયું હતું. વીરગત ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ વગેરે અનેક ક્રાંતિકારીઓએ હિંસક લડત આપી હતી.
પરંતુ કટોકટી સામેની લડાઈમાં એક તરફ પોલીસે અત્યાચાર કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું, વિપક્ષના બધા નેતાઓ જેલમાં હતા, સંઘના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસ સહિતના અનેક નેતાઓ જેલમાં હતા, સંઘ અને તેની બીજી સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો તો પણ આ કટોકટી સામે એક પણ ટીપું લોહી રેડાયા વગર ક્રાંતિ થઈ.
બ્રિટનના અગ્રણી સાપ્તાહિક ‘ધ ઇકૉનૉમિસ્ટ’એ ૧૨ ડિસેમ્બર ૧૯૭૬ના દિને લખ્યું હતું:
“શ્રીમતી ગાંધી સામેની ભૂગર્ભ ચળવળ વિશ્વમાં એક માત્ર બિન-ડાબેરી ક્રાંતિ દળ હોવાનો દાવો કરે છે જેમાં કોઈ વર્ગવિગ્રહ નથી કે રક્તપાત પણ નથી. તે હિન્દુ સાંપ્રદાયિક પક્ષ (તે વખતે ભાજપનું નામ જનસંઘ હતું, તેના સંદર્ભમાં) અને તેની સાંસ્કૃતિક ભગિની સંસ્થા આરએસએસ દ્વારા ચલાવાતી હોવાથી તેને જમણેરી લડત કહી શકાય. તેનું અત્યારે એક માત્ર ધ્યેય ભારતમાં લોકશાહી પાછી લાવવાનું છે. આ ચળવળમાં ગ્રામ્ય સ્તરથી લઈને શહેર સુધી લાખો સ્વયંસેવકો જોડાયેલા છે. નવા-નવા માણસો તેમાં (આરએસએસમાં) જોડાઈ રહ્યા છે.”
પ્રતિબંધ પછી ઈન્દિરા ગાંધી પણ સંઘની શક્તિને માની ગયાં હતાં અને હિન્દુવાદી થવા લાગ્યાં હતાં. તેમણે સ્વીકાર્યું હતું કે “અમે સંઘના ૧૦ ટકા કાર્યકરોને પણ પકડી શક્યા નહોતા (એટલી મોટી સંખ્યા તેમની હતી). તેઓ બધા ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. પ્રતિબંધ છતાં સંઘ વિખેરાયો નહોતો. ઉલટું તે નવા વિસ્તારો જેમ કે કેરળમાં પગ જમાવી રહ્યો હતો.” (‘ધ પીપલ વર્સિસ ઇમરજન્સી : અ સાગા ઑફ સ્ટ્રગલ’, ૧૯૯૧, પૃષ્ઠ ૨૧)
- નરેન્દ્ર મોદીની ભૂમિકા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રહસ્યમય વ્યક્તિ મનાય છે. તેઓ તેમનું મન કોઈને કળવા દેતા નથી. તેમની નજીકના લોકોને પણ નહીં. અનેક નિર્ણય ગુપ્ત રાખીને તેઓ લોકોને ચોંકાવી દેતા હોય છે. તેમની આ જ શક્તિ કટોકટીકાળમાં લડત આપવામાં પણ ઉપયોગી નિવડી હતી. તે વખતે મોદીજી રા. સ્વ. સંઘમાં પ્રચારક હતા. જ્યારે સંઘના ગુજરાતના પ્રાંત પ્રચારક કેશવરાવ દેશમુખ, પ્રાંત કાર્યવાહ રતિભાઈ શાહ, નગર સંઘચાલક ડૉ. આર. કે. શાહ, પ્રાંત વ્યવસ્થા પ્રમુખ બચુભાઈ ભગત, રાજકોટમાંથી પ્રાંત સંઘચાલક ડૉ. પી. વી. દોશી, પ્રાંત શારીરિક પ્રમુખ પ્રવીણભાઈ મણિયાર, વિભાગ કાર્યવાહ યશવંતભાઈ ભટ્ટ, સુરતથી વિભાગ કાર્યવાહ ચંપકભાઈ સુખડિયા, વડોદરાથી વિભાગ સંઘચાલક બાબુભાઈ ઓઝા, જિલ્લા કાર્યવાહ શરદભાઈ ભોસેકર સહિતના દિગ્ગજ અગ્રણીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે નરેન્દ્ર મોદી સહિતના અનેક બીજા લોકો ધરપકડ ટાળવામાં સફળ રહ્યા હતા અને ભૂગર્ભમાં રહી સંઘના વિચારપત્ર સાપ્તાહિક ‘સાધના’ અને જ્યૉર્જ ફર્નાન્ડિઝ જેવા રાષ્ટ્રીય નેતાઓને સહાય કરી લડતને વેગવંતી બનાવી હતી.
- બહેનોની ભૂમિકા
બહેનોની ભૂમિકા વિશે વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, જે તે વખતે રા. સ્વ. સંઘના પ્રચારક હતા તેમણે ‘સંઘર્ષમાં ગુજરાત’ પુસ્તકમાં વિગતવાર આલેખન કર્યું છે. તેઓ લખે છે,
“અમે ફૉન પર તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે સંઘ અને બીજી પચ્ચીસ સંસ્થાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સાંજ સુધીમાં તો ગુજરાતનાં મુખ્ય નગરોમાંથી સંઘના કાર્યકરોની વ્યાપક ધરપકડના સમાચારો આવતા ગયા.
સંઘના પ્રાંત પ્રચારક શ્રી કેશવરાવ દેશમુખની ધરપકડ થઈ ત્યારે તેમની પાસે મુંબઈના શ્રી…દ્વારા આવેલા સંદેશાપત્રો હશે એવું માનીને અમે તે સંદેશાપત્રો કેવી રીતે મેળવી લેવા તેની યોજના બનાવી.
મણિનગરમાં એક બહેનને બપોરે ચા-નાસ્તો લઈને મણિનગર પોલીસસ્ટેશને તેમને મળવા માટે મોકલ્યાં. તેમની પાસે થેલી, છાપાં, પુસ્તકો વગેરે પણ હતાં. જનાર બહેને શું કરવું તેની પણ સૂચનાઓ અપાઈ હતી. તેમણે પોલીસની નજર ચૂકવીને યોજના પ્રમાણે, દેશમુખજીની હેન્ડબૅગમાંના બધા જ કાગળો છાપાં અને પુસ્તકો વચ્ચે મૂકી દીધાં. સફળ રીતે એ કાગળો અમારા સુધી પાછા ફર્યા. આ કાગળો ખૂબ અગત્યના હતા. ગુજરાતમાં ભૂગર્ભ પ્રવૃત્તિ ચલાવવા માટેનાં સરનામાં ઉપરાંત મુંબઈથી શ્રી… સાથે આવેલ સંઘના સરસંઘચાલકજીનો જેલ જતા પહેલાંનો પત્ર પણ તેમાં હતો. આ પત્રમાં શ્રી દેવરસજીએ સ્વયંસેવકોને પ્રતિકાર કરવાનો કોલ આપ્યો હતો અને સંઘના બધા જ પ્રચારકોએ ભૂગર્ભમાં રહીને આંદોલનની જવાબદારી સંભાળવાની સૂચના પણ હતી.” (પ્રકરણ- પ્રતિબંધ અને ભૂગર્ભવાસ, પાના ક્ર. ૨૨)