નાણામંત્રાલયે પાછલા બજેટની જાહેરાતો અને અમલીકરણનું સરવૈયુ રજૂ કર્યું
નવી દિલ્હી, 20 જાન્યુઆરી 2026: કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કરવાની તૈયારીઓ કરી રહી છે. આ પૂર્વે નાણામંત્રાલયે મંગળવારે પાછલા બજેટની જાહેરાતો અને તેના અમલીકરણ અંગેનું વિગતવાર સરવૈયું રજૂ કર્યું છે. મંત્રાલયે જણાવ્યું છે કે ‘ફાઈનાન્સ એક્ટ 2025’ હેઠળ કરવામાં આવેલા ફેરફારોથી સામાન્ય જનતાના હાથમાં વધુ નાણાંની બચત થશે અને ટેક્સ સિસ્ટમ વધુ સરળ બનશે.
નાણામંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર માહિતી આપી છે કે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ વ્યક્તિગત આવકવેરાના માળખામાં મોટા સુધારા કરાયા છે. જે વ્યક્તિની વાર્ષિક આવક રૂ. 12 લાખ સુધી છે, તેમણે હવે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. પગારદાર કર્મચારીઓ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ રૂ. 50,000 થી વધારીને રૂ. 75,000 કરવામાં આવ્યો હોવાથી, તેમના માટે અસરકારક ટેક્સ ફ્રી મર્યાદા રૂ. 12.75 લાખ થઈ જાય છે. આ ફેરફારો નાણાકીય વર્ષ 2025-26થી લાગુ થઈ ચૂક્યા છે અને તેની સીધી અસર આકારણી વર્ષ 2026-27ના ટેક્સ રિટર્નમાં જોવા મળશે.
નાણામંત્રાલયે ‘ઇન્કમ ટેક્સ બિલ 2025’ને એક ક્રાંતિકારી પગલું ગણાવ્યું છે. આ બિલ દ્વારા ભારતનો લગભગ 6 દાયકા જૂનો પ્રત્યક્ષ કર કાયદો બદલવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય રોકાણકારોનો ભરોસો જાળવી રાખવાનો અને કરદાતાઓને જટિલ પ્રક્રિયાઓમાંથી મુક્તિ આપવાનો છે.
ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે ટેક્સ દરોમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જે કંપનીઓ કોઈ વિશેષ છૂટછાટનો લાભ નથી લેતી, તેમના માટે કોર્પોરેટ ટેક્સનો દર 22 ટકા રાખવામાં આવ્યો છે. નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે પ્રોત્સાહન રૂપે ટેક્સનો દર માત્ર 15 ટકા નક્કી કરાયો છે.
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ માટે મોટી જાહેરાતો
પેન્શન ફંડને રાહત: ક્વોલિફાઈડ સોવરિન વેલ્થ ફંડ્સ અને પેન્શન ફંડ હવે 31 માર્ચ, 2030 સુધી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરી શકશે. આવા રોકાણ પર મળતા ડિવિડન્ડ, વ્યાજ અને લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન્સ પર ટેક્સ મુક્તિ ચાલુ રહેશે.
IFSC અને ગિફ્ટ સિટી: ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટરને લગતા નવા નિયમો 1 એપ્રિલ, 2025 થી અમલી બન્યા છે, જે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટને આકર્ષવામાં મદદ કરશે.
રોકાણકારોમાં વિશ્વાસ: અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ માટે ટેક્સના નિયમો સ્પષ્ટ કરવામાં આવ્યા છે, જેથી ‘ટેક્સેશન સર્ટનિટી’ (કરની નિશ્ચિતતા) જળવાઈ રહે.
નાણામંત્રાલયના જણાવ્યા અનુસાર, આ તમામ સુધારાઓનો હેતુ ભારતને રોકાણ માટેનું ગ્લોબલ હબ બનાવવાનો અને ટેક્સ સિસ્ટમને વધુ પારદર્શક બનાવવાનો છે.


