Site icon Revoi.in

વડોદરામાં APMC ફ્રુટ માર્કેટમાં લાગી આગ, 4 દુકાનો કોલ્ડ સ્ટોરેજ બળીને ખાક

Social Share

વડોદરાઃ શહેરમાં નેશનલ હાઇવે પર આવેલા એપીએમસી માર્કેટ યાર્ડની પાછળના ફ્રૂટ માર્કેટમાં ગતરાત્રે ભીષણ આગ ભભૂકી ઊઠતાં 4 દુકાનો બળીને ખાક થઇ ગઇ હતી, જેમાં 8 હજાર કિલો કેરીઓ સહિત કોલ્ડ સ્ટોરેજ પણ ભસ્મીભૂત થયાં હતાં. આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

વડોદરા શહેરમાં નેશનલ હાઈવે પર આવેલી એપીએમસી માર્કેટ યાર્ડ પાછળના ફ્રૂટ માર્કેટમાં જયભોલે, આરએમ ફ્રૂટ સહિતની ફળોની દુકાનોમાં રાત્રે 9 વાગ્યાના સુમારે આગ લાગી હતી. દુકાનોમાં ફળો ઉપરાંત અન્ય વસ્તુઓ અને સામાન હતો, જેના લીધે આગ ઝડપથી ફેલાઇ હતી.આગ લાગતાં આ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઇ ગયા હતા. આ અંગે જાણ કરાતાં 3 ફાયર ટેન્ડરો સાથે ફાયરબ્રિગેડની ટીમોએ પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. આખરે 3 કલાકની જહેમતે આગ ઓલવી શકાઇ હતી.વરસાદને પગલે શોર્ટ સર્કિટથી પણ આગ લાગી હોવાની શક્યતા વેપારીઓએ વ્યક્ત કરી છે.

યાર્ડના ફ્રુટના વેપારીઓના કહેવા મુજબ  અમારી દુકાનોમાં 7થી 8 સીસીટીવી છે. આગ કેવી રીતે લાગી એ રહસ્યનો વિષય છે. અમે સીસીટીવી ફૂટેજ જોઇ રહ્યા છીએ.  સોમવારે જ 8 ટન કેરી આવી હતી, જે ખાક થઇ છે. અમે જે સીસીટીવી ફૂટેજ જોયા છે, તેમાં અમારી સામેની દુકાનમાં લાઇટો ચાલુ-બંધ થઇ રહી હોવાનું જણાય છે. ત્યારબાદ 9.13 કલાકે અચાનક લાઇટો જાય છે અને કેમેરા પણ બંધ થઇ જાય છે. આગમાં પોતાની દુકાનો ગુમાવનારા વેપારીઓના અંદાજ મુજબ બધી જ દુકાનોમાં 10 હજારથી વધુ પ્લાસ્ટિકનાં કેરેટ હતાં, જેને લીધે પણ આગ ઝડપથી ફેલાઇ હતી.  પ્લાસ્ટિક બળવાને લીધે આગ ઓલવવામાં પણ સમય લાગ્યો હતો. આ ઉપરાંત ફળોનાં ખોખાઓ અને દુકાનોમાં કેટલીક રોકડ રકમ પણ હતી, તે પણ આગને હવાલે થઇ ગઇ હતી.

Exit mobile version