
અમદાવાદમાં પીરાણા-પીપળજ રોડ પરના કોટનના ગોડાઉનમાં આગ લાગતા ફાયર ફાઈટરો દોડી ગયા
અમદાવાદઃ શહેરમાં આગના બનાવો વધતા જાય છે. જેમાં મધરાત બાદ રૂના એક ગોદામમાં આગ ફાટી નિકળતા ફાયરબ્રિગેડની આઠ જેટલી ગાડીઓ સાથે ફાઈટરો ધસી ગયા હતા અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. શહેરના પીરાણા પીપળજ રોડ પર સ્થિત રૂના ગોડાઉનમાં ગત મધરાત બાદ આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનાનો કોલ મળતાં જ ફાયરબ્રિગેડની આઠ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. બે કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાઈ હતી. હાલમાં આગ કાબુમાં આવી જતાં કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી.
ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ અમદાવાદમાં ગત મોડી રાત્રે કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, પીરાણા પીપળજ રોડ પર આવેલા રાકેશ ફેબ્રિક નામના ગોડાઉનમાં આગ લાગી છે. જેથી ફાયરબ્રિગેડની 8 ગજરાજ અને એક મિનિ ફાઈટરને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા.ફાયર બ્રિગેડના જવાનોએ બે કલાકની ભારે જહેમત કરી અને આગને કાબૂમાં લીધી હતી. રૂનું ગોડાઉન હોવાથી આગ વધુ ફેલાઈ હતી. આગ કાબૂમાં આવતા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેર અને તેની આસપાસની વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી આગના બનાવો વધતા જાય છે. 16મી જાન્યુઆરીએ દહેગામ પાસે ઝાક GIDCમાં આવેલા લાકડાંના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ત્યારબાદ અમદાવાદના ઘુમા પાસે બે દિવસ પહેલાં મોડી રાતે એમ્બ્યુલન્સમાં આગ લાગી હોવાનો બનાવ બન્યો હતો. (file photo)