શ્રીનગરઃ કાશ્મીરની ધરતી પર આ સીઝનની પહેલી બરફવર્ષા થતાં સમગ્ર વિસ્તારમાં શિયાળાની ઠંડી હવા પ્રસરી ગઈ છે. જમ્મુ-કાશ્મીરના અનેક પહાડી વિસ્તારોમાં હળવો બરફ પડતાં પ્રવાસીઓમાં આનંદની લહેર દોડીઘી હતી. ગુલમર્ગ અને અનંતનાગના સિન્થાન ટોપ વિસ્તારમાં હળવો બરફ પડતાં પર્યટકોએ આ દૃશ્યોને “જાદુઈ અનુભવ” ગણાવ્યો હતો.
સ્કીઇંગ માટે પ્રસિદ્ધ ગુલમર્ગની પહાડીઓએ જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય એવું દૃશ્ય સર્જાયું હતું. બરફ વચ્ચે પ્રવાસીઓએ ફોટોગ્રાફી કરી અને આ અણધાર્યા નજારાનો આનંદ માણ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, કાશ્મીરમાં સામાન્ય રીતે ઓક્ટોબરના મધ્ય ભાગમાં બરફવર્ષા થતી હોય છે, પરંતુ આ વર્ષે ઓક્ટોબરની શરૂઆતમાં જ બરફ પડતાં શિયાળો વહેલો આવશે તેવો સંકેત મળી રહ્યો છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે હળવા બરફના વરસાદ સાથે સીઝનની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં વધુ બરફવર્ષાની શક્યતા છે. શ્રીનગર સહિતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કાશ્મીરના પ્રવાસે આવેલા પર્યટકો માટે આ અણધારેલી બરફવર્ષા આનંદદાયી બની છે, કારણ કે સામાન્ય રીતે ઓક્ટોબરના પહેલા પખવાડિયામાં બરફ પડવાની શક્યતા ઓછી હોય છે. આ વર્ષે વહેલી બરફવર્ષાએ કાશ્મીરના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દીધા છે.