
માંગરોળ બંદર પર GFCCના પંપમાં ડીઝલના બદલે પાણી નીકળતા માછીમારોએ કર્યો હોબાળો
જુનાગઢઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. અને સૌરાષ્ટ્રના માછીમારી બંદરો પર માછીમારોને સબસિડીથી બોટ માટે ડીઝલ આપવામાં આવે છે. માંગરોળના બંદરે જીએફસીસીના પંપ પરથી ડીઝલનું વિતરણ કરાતું હોય છે. આ પંપ પર ડીઝલમાં પાણી ભેળવવામાં આવતું હોવાથી માછીમારીની ફરિયાદો હતી. અને આ અંગે અગાઉ માછીમારોએ રજુઆતો પણ કરી હતી. માછીમારોએ પંપ પર જઈને તપાસ કરતા અને ડીઝલમાં પાણી મિશ્રિત હોવાની જાણ થતાં માછીમારોએ હોબાળો મચાવ્યો હતો.
માંગરોળ બંદરે માછીમારોએ આક્ષેપ કર્યો હતો કે, બંદર પર રહેલા પંપમાં ડીઝલના બદલે પાણી નીકળ્યું છે. માછીમારોના કહેવા મુજબ 60 ટકા પાણી અને 40 ટકા ડીઝલ હતું. માછીમારોને સરકાર તરફથી ડીઝલ પર સબસિડી મળે છે. આ ડીઝલ લઈ માછીમારો દરિયામાં માછીમારી કરવા જાય છે. માછીમારોનું કહેવું છે કે, ભેળસેળવાળા આ ડીઝલને કારણે જો મધદરિયે બોટ બંધ પડી જાય તો મોટો અકસ્માત થઈ શકે છે. માછીમારોએ રંગે હાથ ભેળસેળ પકડી હતી. માછીમારોએ આક્ષેપ કર્યો હતો કે આ પહેલા પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નહોતી.
માંગરોળ બંદરે માછીમારોએ હોબાળો મચાવતા માંગરોળના મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મામલતદારે જણાવ્યું હતુ કે, આ મામલે ડીઝલ પંપ પરથી ડીઝલના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેની તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે. જો કે આ પહેલા અનેક રજૂઆત કરવા છતાં માછીમારોના પ્રશ્નોનો ઉકેલ ન આવતા રોષ જોવા મળી રહ્યો છે