Site icon Revoi.in

તેલંગાણામાં કાર રોડ ઉપરથી ઉતરીને તળાવમાં ખાબકી, પાંચના મોત

Social Share

હૈદરાબાદઃ તેલંગાણાના યાદાદ્રી ભુવનગિરી જિલ્લામાં સવારે એક કાર તળાવમાં ખાબકી હતી.. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. આ ઘટના આજે સવારે ભૂદાન પોચમપલ્લી સબ-ડિવિઝનના જલાલપુર વિસ્તારમાં બની હતી. છ વ્યક્તિઓનું એક ગ્રુપ કાર દ્વારા હૈદરાબાદથી ભૂદાન પોચમપલ્લી જઈ રહ્યું હતું.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, તેજ ગતિએ જઈ રહેલી કારે અચાનક કાબૂ ગુમાવ્યો અને રોડ પરથી ઉતરીને તળાવમાં પડી હતી. ઘટનાની માહિતી મળતાં જ તેલંગાણા પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ હતી. પોલીસે પાંચેય મૃતદેહને પણ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

પોલીસે જણાવ્યું કે, મૃતકોની ઓળખ વંશી (ઉ.વ 23), દિગ્નેશ (ઉ.વ 21), હર્ષ (ઉ.વ 21), બાલુ (ઉ.વ 19) અને વિનય (ઉ.વ 21) (તમામ રહે, હૈદરાબાદ) તરીકે કરવામાં આવી છે, જ્યારે ઘાયલ વ્યક્તિની ઓળખ મણિકાંત (ઉ.વ 21) તરીકે થઈ છે.  એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મામલાના સંબંધમાં કેસ નોંધવામાં આવ્યો છે અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તપાસ કરવામાં આવી રહી છે.