
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે જળબંબોળની સ્થિતિ, રાજ્યના 111 તાલુકામાં 1થી 16 ઈંચ વરસાદ
અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના પ્રારંભ સાથે જ મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં 200 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને જામનગર તથા કચ્છમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ કેટલાક ગામ બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણા બન્યાં છે. આ ઉપરાંત અનેક માર્ગો વાહન-વ્યવહાર માટે બંધ કરાયાં હતા. ભારે વરસાદને પગલે ઘણા સ્થળોએ તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોની ઘરવખરી પાણીમાં તણાઇ ગઇ છે. તો ખેતરોમાં પણ પાણી ભરાઇ ગયા હોવાથી મહામુશ્કેલીથી તૈયાર કરેલા ખેડૂતોના પાકને પણ નુકસાન થયુ છે.
રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધારે જામનગર તાલુકામાં 10 ઈંચ, વલસાડના કપરાડામાં 9.5 ઈંચ, કચ્છના અંજારમાં 9.5 ઈંચ, નવસારીના ખેરગામમાં 8.7 ઈંચ, જૂનાગઢના ભેંસાણમાં 8.1, અમરેલીના બગસરામાં 8 ઈંચ, મહેસાણાના બેચરાજીમાં 6.6, વલસાડના ધરમપુરમાં 6.6 ઈંચ, અમરેલીના રાજુલામાં 6.5 ઈંચ, નવસારીના ચીખલીમાં 6.2 ઈંચ, ડાંગમાં પાંચ ઈંચ તથા જૂનાગઢ તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતા. અનેક ગામ સંપર્ક વિહોણા બન્યાં હતા. રાજ્યના 11 તાલુકામાં એક ઈંચ કરતા 16 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં 27 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે માર્ગો ઉપર પાણી ભરાતા અનેક વાહનો ખોટવાયાં હતા. રાજ્યમાં ધોધમાર વરસાદને પગલે રેલ અને હવાઈ સેવાને વ્યાપક અસર થયાનું જાણવા મળે છે.
રાજ્યમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે, એટલું જ નહીં અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કરીને આગાહી કરી છે. થન્ડરસ્ટોમ એક્ટિવિટી થતા રાજ્યમાં જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને દીવ દમણ દાદરા નગર હવેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, બોટાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે.